Last Updated on by Sampurna Samachar
કેપ્ટન સલમાન આગાને ગરદનમાં થોડી ખેંચાણ થઈ
૧૪ સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે મેચ
(સંપૂર્ણ સમાચાર સેવા)
એશિયા કપ ૨૦૨૫માં ૧૪ સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં T20 ફોર્મેટની ૧૩ મેચ રમાઈ છે. આમાં, ભારતીય ટીમ ૧૦ મેચમાં વિજેતા રહી છે. પાકિસ્તાને ત્રણ મેચ જીતી છે. એકંદરે ભારત એશિયા કપની સૌથી સફળ ટીમ છે. ૧૯૮૪થી ૨૦૨૩ સુધી ODI અને T20 ફોર્મેટમાં કુલ ૧૬ મેચો રમાઈ છે.

ભારતીય ટીમ ૮ વખત વિજેતા રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારત સામેની એશિયા કપ ૨૦૨૫ મેચ પહેલા પ્રેક્ટિસ દરમિયાન પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાને ગરદનમાં થોડી ખેંચાણ થઈ હતી. પાકિસ્તાની ટીમ મેનેજમેન્ટને વિશ્વાસ છે કે સલમાન આગા ટૂંક સમયમાં ફિટ થઈ જશે. પાકિસ્તાન ઈજાથી ચિંતિત છે. કેપ્ટન સલમાન આગા બુધવારે દુબઈમાં ICC એકેડેમીમાં એક મોટા પ્રેક્ટિસ સેશનના હાજર રહી શક્યો નહોતો.
વોર્મ-અપ્સ અને હળવી ફૂટબોલ પ્રેક્ટિસથી દૂર રહ્યો
એશિયા કપ ૨૦૨૫ ગ્રુપ મેચ ૧૪ સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી છે. હવે સલમાન આગાની ફિટનેસને લઈને એક જબરદસ્ત સસ્પેન્સ ઉભો થયો છે. અહેવાલ મુજબ, સલમાન આગા ટીમ સાથે મુસાફરી કરી રહ્યો હતો, પરંતુ તે વોર્મ-અપ્સ અને હળવી ફૂટબોલ પ્રેક્ટિસથી દૂર રહ્યો, જ્યારે બાકીના ખેલાડીઓએ સંપૂર્ણ ફિટનેસ રૂટિનનું પાલન કર્યું. સલમાન આગાની ફિટનેસથી પાકિસ્તાની કેમ્પમાં ચિંતાઓ વધી ગઈ, ખાસ કરીને ભારત સામેની હાઇ-વોલ્ટેજ મેચને ધ્યાનમાં રાખીને.
જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ આ ચિંતાઓને ઓછી ગણાવી છે અને સ્પષ્ટતા કરી છે કે તે એક નાની અને સાવચેતીભરી બાબત છે. સલમાન આગા ટૂંક સમયમાં પ્રેક્ટિસ પર પાછા ફરે તેવી અપેક્ષા છે અને પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટને વિશ્વાસ છે કે તેમનો કેપ્ટન એશિયા કપ ૨૦૨૫ની મહત્વપૂર્ણ મેચોમાં પાકિસ્તાનનું નેતૃત્વ કરવા માટે ફિટ થઈ જશે. યુએઈમાં T20 ત્રિકોણીય શ્રેણી જીત્યા બાદ પાકિસ્તાન એશિયા કપ ૨૦૨૫માં રમી રહ્યું છે, જ્યાં તેમણે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ફાઇનલમાં અફઘાનિસ્તાનને ૭૫ રને હરાવ્યું હતું.