Last Updated on by Sampurna Samachar
ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલ ૨૦૨૫ રજૂ થયુ હતુ
નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરનારાઓને થશે કડક સજા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઘૂસણખોરી અને ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવાના ઉદ્દેશ્ય સાથે લોકસભામાં ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલ ૨૦૨૫ રજૂ કરવામાં આવ્યું હતુ. અમિત શાહ તરફથી ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે બિલ રજૂ કરતાં કહ્યું કે કોઈને પણ દેશમાં પ્રવેશતા અટકાવવા માટે આ બિલ લાવવામાં આવ્યું નથી, પરંતુ આ બિલનો હેતુ એ છે કે કોઈપણ વિદેશી જે ભારતમાં આવે છે તે અહીંના નિયમોનું પાલન કરીને જ આવે. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી અને TMC ના સૌગત રોયે બિલનો વિરોધ કર્યો છે.
આ બિલનો હેતુ ભારતના ઇમિગ્રેશન નિયમોને આધુનિક બનાવવાનો અને મજબૂત કરવાનો છે. આ બિલ ભારતમાં એન્ટર કરવા અને અહીંથી બહાર જતા વ્યક્તિઓના સંબંધમાં પાસપોર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજોની જરૂરિયાતો અને વિદેશીઓ સંબંધિત બાબતોનું નિયમન કરવાની સત્તા કેન્દ્ર સરકારને આપશે. આમાં વિઝા અને રજીસ્ટ્રેશનની જરૂરિયાતો અને તેનાથી સંબંધિત બાબતોનો સમાવેશ થાય છે.
દેશની સુરક્ષાના સંદર્ભમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ
ઇમિગ્રેશન સાથે જોડાયેલું આ બિલ દેશની સુરક્ષાના સંદર્ભમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ બિલમાં, કાનૂની દરજ્જો સાબિત કરવાની જવાબદારી રાજ્યને બદલે વ્યક્તિને આપી દેવામાં આવી છે. આ બિલ સ્પષ્ટપણે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, સાર્વભૌમત્વ અથવા અખંડિતતા માટે ખતરો ગણાતા કોઈપણ વિદેશી નાગરિકના પ્રવેશ અથવા રોકાણ પર પ્રતિબંધ લગાવે છે.
સાથે જ તે બધા વિદેશીઓ માટે આગમન સમયે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનાવે છે અને તેમની હિલચાલ, નામ બદલવા અને સંરક્ષિત અથવા પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ પર સખત પ્રતિબંધ મૂકે છે. આ ઉપરાંત, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને નર્સિંગ હોમ જેવી સંસ્થાઓએ ઇમિગ્રેશન અધિકારીઓને વિદેશી નાગરિકોની હાજરી વિશે જાણ કરવી પડશે.
પ્રસ્તાવિત કાયદામાં ઇમિગ્રેશન નિયમોના ઉલ્લંઘન માટે કડક સજાની પણ જાેગવાઈ કરવામાં આવી છે. માન્ય પાસપોર્ટ કે વિઝા વગર ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કરવા પર પાંચ વર્ષ સુધીની જેલ અને ૫ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરનારાઓને બે થી સાત વર્ષની જેલ અને ૧ લાખ થી ૧૦ લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. નિશ્ચિત સમયથી વધુ સમય સુધી રહેવું, વિઝાની શરતોનું ઉલ્લંઘન કરવું અથવા પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ કરવો જેવા ગુનાઓ માટે ત્રણ વર્ષ સુધીની જેલ, ૩ લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે.
યોગ્ય દસ્તાવેજો વિના વ્યક્તિઓને લાવતા-લઈ જતાં ટ્રાન્સપોર્ટને પણ જવાબદાર ગણવામાં આવશે. તેમના પર ૫ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે અને જો તેઓ દંડ ન ભરે તો તેમના વાહનો જપ્ત કરી શકાય છે. જો કોઈ વિદેશીનો પ્રવેશ નકારવામાં આવે, તો ટ્રાન્સપોર્ટર પર તેમના તાત્કાલિક પ્રસ્થાનને સુનિશ્ચિત કરવાની જવાબદારી રહેશે. આ બિલમાં ઇમિગ્રેશન અધિકારીઓને વધુ સત્તાઓ પણ આપવામાં આવી છે, જેમાં વોરંટ વિના વ્યક્તિઓની ધરપકડ કરવાનો અધિકાર પણ શામેલ છે.