આ કરાર ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ સંપૂર્ણ શરણાગતિ છે , વિપક્ષે કહ્યું

Share this Article:

Last Updated on by Sampurna Samachar

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ખુલાસો કર્યો

ભારતના કાપડ સેક્ટરને વધુ લાભો મળશે , મંત્રી પિયુષ ગોયલે કહ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)

ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી ભારતને એક પછી એક રાહતો મળી રહી છે. પહેલા ભારત-અમેરિકા ડીલની ફેક્ટશીટમાં મોટા બદલાવ કરવામાં આવ્યા, જેમાં કેટલીક શરતોમાં છૂટ આપવામાં આવી અને હવે વધુ છૂટછાટો મળવાની અપેક્ષા જોવા મળી રહી છે. આ સંબંધમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ભારતના કાપડ સેક્ટરને વધુ લાભો મળશે, જે અમેરિકા દ્વારા બાંગ્લાદેશને આપવામાં આવ્યા છે.

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાતચીતમાં મુખ્ય ભૂમિકા ભજવતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સંકેત આપ્યો કે, બાંગ્લાદેશની જેમ ભારતીય ટેક્સટાઈલ સેક્ટરને અંતિમ કરાર પર હસ્તાક્ષર થયા બાદ શૂન્ય ટેરિફની સુવિધા મળવાની અપેક્ષા છે. તેમના આ નિવેદનથી ભારતીય કાપડ નિકાસકારોને મોટી રાહત મળશે, કારણ કે અમેરિકા-બાંગ્લાદેશ ટ્રેડ ડીલે આ બિઝનેસ સામે મોટા પડકારો ઉભા કર્યા છે.

આ પગલાથી ભારતીય નિકાસકારોને નવી તકો મળશે

પિયુષ ગોયલનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે India-US Trade Deal ને લઈ રાજકીય વર્તુળોમાં પણ શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે. નોંધનીય છે કે, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે થયેલ આ કરાર ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ સંપૂર્ણ શરણાગતિ છે. હવે પિયુષ ગોયલે તેમના નિવેદનની ટીકા કરતા કહ્યું છે કે, તેમણે સંસદમાં વધુ એક જુઠ્ઠાણું ફેલાવ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતની તુલનામાં બાંગ્લાદેશને ટ્રેડ ડીલથી વધુ ફાયદો થયો છે.

વાણિજ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, જે પ્રકારે બાંગ્લાદેશને સુવિધા મળી છે કે જો અમેરિકાથી કાચો માલ ખરીદવામાં આવે અને તેને પ્રોસેસ કરીને કપડાં તૈયાર કરીને નિકાસ કરવામાં આવે, તો તેના પર કોઈ ટેરિફ લાગતો નથી. તેમણે ઉમેર્યું કે, ભારતને પણ આ જ પ્રકારની સુવિધા મળશે.

આ સંબંધમાં વિગતવાર માહિતી આપતા પીયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું કે, આ ભાગ ગયા અઠવાડિયે બન્ને દેશો દ્વારા જાહેર કરાયેલા વચગાળાના વેપાર કરારના ફ્રેમવર્કમાં કદાચ સામેલ ન હોઈ શકે, પરંતુ તે અંતિમ કરારમાં ચોક્કસપણે સામેલ હશે. તેમણે કહ્યું કે, હાલમાં અમારો વેપાર કરાર તૈયાર થઈ રહ્યો છે અને જ્યારે આ વચગાળાનો કરાર અંતિમ સ્વરૂપ લેશે, ત્યારે તમને તેની દરેક ઝીણવટભરી વિગતો સમજામાં આવશે.

ભારત માટે પીયૂષ ગોયલનું આ નિવેદન અત્યંત મહત્વનું છે, કારણ કે અંતિમ કરારમાં આ જોગવાઈ ઉમેરવાથી ટેક્સટાઈલ સેક્ટરને મોટી રાહત મળશે. નોંધનીય છે કે, અમેરિકા ભારતના કાપડની નિકાસ માટે સૌથી મોટું બજાર છે.

દેશમાંથી નિકાસ થતા કુલ કાપડ અને વસ્ત્રોના શિપમેન્ટનો ૩૦% ભાગ અમેરિકા પહોંચે છે. ગયા અઠવાડિયે ભારત અને અમેરિકા વચ્ચેની ડીલ બાદ કાપડ નિકાસકારોમાં ખુશી લહેર જોવા મળી, કારણ કે ટ્રમ્પે ટેરિફ ૫૦% થી ઘટાડીને ૧૮% કરી દીધો હતો. જોકે, આ દરમિયાન સમાચાર આવ્યા હતા કે અમેરિકન કપાસમાંથી બનેલા બાંગ્લાદેશી વસ્ત્રો પર ઝીરો ડ્યુટી લાગશે. આનાથી એવી ચિંતા વધી હતી કે, જો બાંગ્લાદેશી કપડાં પર કોઈ ટેક્સ નહીં લાગે, તો ભારતીય કપડાં પર ૧૮% ટેક્સ હોવાને કારણે આપણે સ્પર્ધામાં ટકી શકીશું નહીં.

પિયૂષ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે આ કરારનું માળખું હાલમાં તૈયાર થઈ રહ્યું છે અને વચગાળાનો કરાર પૂર્ણ થયા બાદ તેની તમામ શરતો જાહેર કરવામાં આવશે. તેમણે દેશના ખેડૂતોને પણ આશ્વાસન આપ્યું હતું કે આ વેપાર કરારમાંથી ૯૦ થી ૯૫ ટકા કૃષિ ઉત્પાદનોને બાકાત રાખવામાં આવ્યા છે, જેથી ભારતીય કૃષિ ક્ષેત્રને કોઈ નુકસાન ન થાય.

સરકારના જણાવ્યા મુજબ, આ પગલાથી ભારતીય નિકાસકારોને નવી તકો મળશે અને સાથે સાથે ખેડૂતોના હિતોનું પણ પૂરતું રક્ષણ થશે. કુલ મળીને, ભારત–અમેરિકા વચ્ચેનો આ ઝીરો-ડ્યુટી સોદો દેશના કાપડ ઉદ્યોગ અને નિકાસ ક્ષેત્ર માટે હકારાત્મક સાબિત થવાની આશા છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.