Last Updated on by Sampurna Samachar
ખંભાળિયા શહેરમાં પેલેસ્ટાઇનના ફ્લેગ પ્રદર્શિત કરાતા વિવાદ
ઘટનાના મુખ્ય સૂત્રધાર તરીકે આમદ અબ્દુલ રૂખડાનુ નામ જાહેર
(સંપૂર્ણ સમાચાર સેવા)
દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં ૧૧મી શરીફ ઇદના ધાર્મિક જુલૂસ દરમિયાન પેલેસ્ટાઇનના ફ્લેગ પ્રદર્શિત થતાં અને ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરાતાં મોટો વિવાદ ઊભો થયો છે. આ ઘટનાથી સ્થાનિક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ હતી, જેના પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.

ધાર્મિક જુલૂસ શાંતિપૂર્ણ માહોલમાં નીકળી રહ્યું હતું, ત્યારે કેટલાક વિધર્મીઓ દ્વારા જાણીજોઈને આ કાર્યક્રમમાં પેલેસ્ટાઇનના ફ્લેગ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ ઘટનાના મુખ્ય સૂત્રધાર તરીકે આમદ અબ્દુલ રૂખડા નામના ઈસમનું નામ સામે આવ્યું છે. આમદ રૂખડાએ પોતે ફ્લેગ બનાવ્યા હતા અને અન્ય નાના બાળકો પાસે પણ આ ફ્લેગ પ્રદર્શિત કરાવ્યા હતા.
ખંભાળીયા પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ
આટલું જ નહીં, આમદ રૂખડાએ જાહેરમાં ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર પણ કર્યા હતા, જેનો ઈરાદો જુદા જુદા પ્રાદેશિક જૂથો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો હતો. આ કૃત્ય જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરવાના ઇરાદાપૂર્વકનું કાવતરું હોવાનું માનવામાં આવે છે.
ધાર્મિક જુલૂસની આડમાં રાજકીય ઉશ્કેરણી અને શાંતિ ભંગના આ ગંભીર કૃત્યની જાણ થતાં ખંભાળિયા પોલીસ સક્રિય બની હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને જાહેર સુલેહ શાંતિનો ભંગ કરનાર આરોપી આમદ અબ્દુલ રૂખડાની ધરપકડ કરી છે.
ખંભાળીયા પોલીસ મથકમાં આમદ અબ્દુલ રૂખડા સામે ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ની કલમ ૧૯૬(૨) (વૈમનસ્ય, દુશ્મની કે દ્વેષની લાગણીઓ ઉત્પન્ન કરવી કે પ્રોત્સાહન આપવું), ૩૫૧ (જાહેર શાંતિનો ભંગ થાય તેવા કૃત્ય કરવા), અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ ૨૦૧૬ની કલમ ૮૩(૨) (બાળકોને ગુનાહિત કૃત્યમાં સામેલ કરવા) મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.