Last Updated on by Sampurna Samachar
ગેસ સિલિન્ડર ચોરી કરનાર ચોર આખરે પકડાઈ ગયો
પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે, જે મુંબઈ, નવી મુંબઈ અને ઠાણે વિસ્તારમાં ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલો હતો.
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈની પવઈ પોલીસ સ્ટેશનની ટીમને ગેસ સિલિન્ડરની ચોરીના કેસમાં મોટી સફળતા મળી છે. પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જે મુંબઈ, નવી મુંબઈ અને ઠાણે વિસ્તારમાં ગેસ સિલિન્ડરની ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલો હતો. આ ધરપકડ એવા સમયે થઈ છે, જ્યારે ખાડી દેશોમાં તણાવને કારણે લોકોમાં ગેસ સિલિન્ડરની અછત અને કિંમત વધવાની ચિંતા વધી ગઈ છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી ચોરીના વાહનોનો ઉપયોગ કરીને અલગ-અલગ વિસ્તારોમાંથી ગેસ સિલિન્ડર ચોરી રહ્યો હતો. તાજેતરમાં જ પવઈ પોલીસે સ્ટેશનમાં ગેસ સિલિન્ડરની ચોરીની ૨ ફરિયાદ નોંધાઈ હતી. ખાડી દેશોમાં તણાવના કારણે સામાન્ય લોકોમાં ગેસ સિલિન્ડરને લઈને ચિંતા પણ વધી ગઈ છે, જેના કારણે પોલીસે આ ફરિયાદને ગંભીરતાથી લીધી હતી.
ચોરીના ૧૦ કેસમાં વોન્ટેડ
DCP દત્ત કિશન નાલાવડેના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની બે ટીમો બનાવવામાં આવી હતી. ગુપ્ત માહિતીના આધારે પોલીસે ઠાણેના વર્તક નગરમાં રહેતા ૪૫ વર્ષીય રાજ ચંદ્રકાંત કાંબલેને ઝડપી લીધો હતો. આ આરોપી પહેલેથી જ ચોરીના ૧૦ કેસમાં વોન્ટેડ હતો.
પોલીસે આરોપી પાસેથી ૪૫ ચોરીના ગેસ સિલિન્ડર અને ૩ ચોરીની મોટરસાઇકલ જપ્ત કરી છે. સિલિન્ડરોને વેચવામાં મદદ કરનારા બે અન્ય આરોપીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે આ ગેંગના અન્ય સભ્યો અને વ્યાપક નેટવર્કની તપાસ કરી રહી છે.પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપીની સામે પહેલેથી જ ચોરીના ૧૦ કેસ નોંધાયેલા છે. પોલીસ હવે ગેંગના અન્ય સંભવિત કનેક્શન અને નેટવર્કની તપાસ કરી રહી છે.