Last Updated on by Sampurna Samachar
દિલ્હીમાં ૮ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ
બાળકીના કહેવા મુજબ, તેણે વિરોધ કર્યો અને બૂમાબૂમ કરી હતી, અને કોઈક રીતે તે આ રાક્ષસોના પંજામાંથી બચીને ઘરે પહોંચી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં અવારનવાર ક્રાઇમની ઘટનાઓ બનતી રહે છે. રેપ, મર્ડર, સુસાઈડ, જીવલેણ હુમલાઓથી સામાન્ય પ્રજા પણ હેરાનપરેશાન થઈ ચૂકી છે. મોટાથી લઈ તરુણ-સગીર અવસ્થા ધરાવતા લોકો માટે હવે કોઈની આબરૂ સાથે રમત રમવી તો જાણે સાવ સામાન્ય બની ગયું છે. ત્યારે દિલ્હીમાં એક એવી ઘટના બની છે જેને જાેતા પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલો ઊભા થાય છે. ઘટના છે બાળકી સાથે કરવામાં આવતા દુષ્કર્મના પ્રયાસની. જેના વિશે જાણીને તમે પણ અચંબામાં પડી જશો કે આ ઉંમરમાં આવું કામ કરવાના વિચારો આવે છે ક્યાંથી?

દિલ્હીના ઓખલા વિસ્તારમાં બનેલી આ ઘટના ખૂબ જ ચોંકાવનારી અને દુ:ખદ છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ છે. એક ૮ વર્ષની માસૂમ બાળકી સાથે ત્રણ તરુણે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ત્રણેય તરુણ આરોપીઓને પકડી લીધા છે અને પીડિતાને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવી છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. બાળકીના પરિવારજનોના જણાવ્યા અનુસાર, આ ઘટના તેમના ઘર નજીક જ બની હતી.
ઘરની નજીક જ દુષ્કર્મનો પ્રયાસ
બાળકીના કહેવા મુજબ, તેના વિસ્તારમાં રહેતા કેટલાક છોકરાઓએ તેને લલચાવીને પોતાની સાથે લઈ ગયા હતા. ત્યારબાદ તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના સામે આવતા જ પરિવારજનોએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો.
પીડિત બાળકીના આરોપો મુજબ, આરોપી છોકરાઓએ તેને તેના ઘર પાસે આવેલા એક ગોડાઉનમાં લઈ ગયા હતા. ત્યાં ત્રણેયે તેની સાથે વારાફરતી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીના કહેવા મુજબ, તેણે વિરોધ કર્યો અને બૂમાબૂમ કરી હતી, અને કોઈક રીતે તે આ રાક્ષસોના પંજામાંથી બચીને ઘરે પહોંચી હતી.હેમખેમ ઘરે પહોંચ્યા બાદ પરિવારને સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતું. બાળકીની વાત સાંભળીને પરિવારજનો પણ હેરાન-પરેશાન થઈ ગયા હતા. ત્યારબાદ તરત જ પોલીસને જાણ કરી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને લોકોમાં ભારે ગુસ્સો અને ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે. લોકો પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠાવી રહી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ઘટનામાં સામેલ ત્રણેય છોકરાઓ તરુણ અવસ્થાના છે. જેમાંથી એકની ઉંમર ૧૨ વર્ષ છે અને બાકીના બે છોકરાઓની ઉંમર લગભગ ૧૩ વર્ષ છે. ફરિયાદ મળ્યા બાદ દિલ્હી પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણેયને પકડી લીધા છે. હાલ પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે અને સમગ્ર ઘટનાક્રમને સમજવાનો પ્રયાસ કરી રહી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, મામલાની ગંભીરતા જાેતા તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. સાથે જ, બાળ ન્યાય કાયદા હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પીડિતાનું મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યું છે. હાલ આ સમગ્ર મામલે તપાસ ચાલુ છે.