Last Updated on by Sampurna Samachar
ભારતની રોમાંચક જીતના ૫ હીરો જુઓ
ટેસ્ટ સિરીઝ ૨-૨થી બરોબર કરવામાં સફળ રહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ક્રિકેટ ટીમે લંડનના ઓવલ મેદાનમાં ઈતિહાસ રચી દીધો છે. પાંચમી ટેસ્ટના પાંચમાં દિવસે ભારતે ઈંગ્લેન્ડને ૬ રને પરાજય આપી સિરીઝ ૨-૨ થી બરોબર કરી લીધી છે. પાંચમી ટેસ્ટના ચોથા દિવસે ઈંગ્લેન્ડની જીતની આશા પ્રબળ હતી, પરંતુ ત્યારબાદ મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ શાનદાર બોલિંગ કરી ભારતને રોમાંચક મેચમાં છ રને જીત અપાવી છે. ભારત આ સાથે ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ ૨-૨થી બરોબર કરવામાં સફળ રહ્યું છે.
વાત કરીએ તો આ સિરીઝમાં ભારતીય ખેલાડીઓ કે જેમણે શાનદાર પ્રદર્શન કર્યુ છે. જેમાં મોહમ્મદ સિરાજ ઈંગ્લેન્ડ સામે પાંચેય ટેસ્ટ મેચમાં મોહમ્મદ સિરાજ રમ્યો છે. સિરાજે સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેવા સાથે સૌથી વધુ બોલિંગ પણ કરી છે. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં સીનિયર બોલર તરીકે સિરાજ પર સૌથી વધુ જવાબદારી હતી. સિરાજે પ્રથમ ઈનિંગમાં ચાર અને બીજી ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. સિરાજે ઈંગ્લેન્ડની છેલ્લી વિકેટ લઈ ભારતને શાનદાર જીત અપાવી છે.
મેચમાં આકાશ દીપે બે વિકેટ લીધી
પ્રસિદ્ધ કૃષ્ણા : ભારતની જીતનો બીજો હીરો પ્રસિદ્ધ કૃષ્ણા રહ્યો. પ્રસિદ્ધે સિરાજ સાથે મળી શાનદાર બોલિંગ કરી હતી. બંનેએ ચોથા દિવસે ટી-બ્રેક બાદ કમાલની બોલિંગ કરી ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું હતું. પ્રસિદ્ધ કૃષ્ણાએ પ્રથમ ઈનિંગમાં ૬૨ રન આપી ૪ વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઈનિંગમાં પ્રસિદ્ધે ૨૭ ઓવર ફેંકી અને ચાર સફળતા મેળવી હતી. મેચમાં કુલ આઠ વિકેટ લીધી હતી.
યશસ્વી જાયસવાલ : ભારતની જીતનો ત્રીજો હીરો યશસ્વી જાયસવાલ રહ્યો છે. પ્રથમ ઈનિંગમાં માત્ર ૨ રન બનાવી આઉટ થનાર યશસ્વીએ બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. યશસ્વીએ ૧૬૪ બોલમાં ૧૪ ચોગ્ગા અને ૨ સિક્સ સાથે ૧૧૮ રન બનાવી ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું.
કરૂણ નાયર : પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમે એક બાદ એક વિકેટ ગુમાવી હતી. ત્યારે કરૂણ નાયરે ટેસ્ટ ક્રિકેટમાં લાંબા સમય બાદ અડધી સદી ફટકારી હતી. કરૂણ નાયરે ૧૦૯ બોલમાં ૮ ચોગ્ગા સાથે ૫૭ રન બનાવી ભારતનો સ્કોર ૨૦૦ને પાર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આકાશ દીપ : ભારતને જીત અપાવવામાં આકાશ દીપની પણ મહત્વની ભૂમિકા રહી છે. આ વખતે આકાશ દીપે બોલ નહીં પરંતુ બેટથી કમાલ કર્યો હતો. ભારત બીજી ઈનિંગમાં મુશ્કેલીમાં હતું, ત્યારે આકાશ દીપને નાઇટ વોચમેન તરીકે મોકલવામાં આવ્યો હતો. આકાશ દીપે ચોથા ક્રમે બેટિંગ કરતા ૧૨ ચોગ્ગા સાથે ૬૬ રન ફટકાર્યા હતા. તેણે યશસ્વી સાથે સદીની ભાગીદારી પણ કરી હતી. આ સાથે મેચમાં આકાશ દીપે બે વિકેટ પણ લીધી હતી.