Last Updated on by Sampurna Samachar
TMC એ તમામ હદ વટાવી દીધી , ભાજપ પ્રવક્તાએ કહ્યું
TMC સાંસદ કલ્યાણ બેનરજીની પ્રતિક્રિયાથી વિવાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની ટિપ્પણી પર TMC સાંસદ કલ્યાણ બેનરજીની પ્રતિક્રિયાએ વિવાદ ઊભો કરી દીધો છે. તેમણે કહ્યું કે, આજકાલ જજો બહુ બોલવા લાગ્યા છે. પહેલા જજો ઓછું બોલતા હતા અને ચુકાદો સંભળાવતા હતા. વાસ્તવમાં તેમની આ ટિપ્પણી સુપ્રીમ કોર્ટની રોહિંગ્યા મામલે સુનાવણી પછી આવી છે. હવે TMC સાંસદના નિવેદન પર ભારતીય જનતા પાર્ટીએ વાંધો વ્યક્ત કર્યો છે.

કલ્યાણ બેનરજીએ કહ્યું કે, પહેલા આપણા ભારતીય ન્યાયતંત્રમાં જજાે ખૂબ ઓછું બોલતા હતા. જજાે માત્ર ચુકાદો સંભળાવતી વખતે જ પોતાની વાત રજૂ કરતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આજકાલ જજો TRP વધારવા માટે વધુ બોલે છે અને સમયસર ચુકાદાઓ નથી આપતા.
TRP માટે નહીં પરંતુ તમારા VRP માટે કરી ટિપ્પણી
ભાજપ પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ આનો વિરોધ કરતા કહ્યું કે, TMC એ તમામ હદ વટાવી દીધી છે. જ્યારે CJI એ કહ્યું કે, રોહિંગ્યાઓ માટે રેડ કાર્પેટ ન પાથરી શકીએ. તો હવે તેના પર TMC સુપ્રીમ કોર્ટ પર પ્રહાર કરી રહી છે. મમતા બેનરજી ૨૦૦૫થી તેમનું સમર્થન કરી રહી છે. હવે કલ્યાણ બેનરજી કહી રહ્યા છે કે, ચીફ જસ્ટિસની ટિપ્પણી લૂસ કોમેન્ટ હતી, TRP માટે હતી.
ભાજપ પ્રવક્તાએ કહ્યું કે, આ TRP માટે નહીં પરંતુ તમારા વીઆરપી એટલે કે વોટ બેન્ક રેટિંગ પોઈન્ટ માટે હતી. કલ્યાણ બેનરજી એ જ વ્યક્તિ છે જેમણે ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી કરી હતી અને તેમના પદની મજાક ઉડાવી હતી. આ એ જ TMC છે જેણે કહ્યું હતું કે, જો ચૂંટણી પંચ SIR કરાવે તો ચૂંટણી પંચે પરિણામનો સામનો કરવો પડશે.
સુપ્રીમ કોર્ટને પાંચ રોહિંગ્યા શરણાર્થીઓના પોલીસ કસ્ટડીમાં ગુમ થવા મુદ્દે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરવા અપીલ કરવામાં આવી હતી. જોકે, CJI ની બેન્ચે આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. સુનાવણી દરમિયાન બેન્ચે કડક વલણ અપનાવતા કહ્યું કે, તમે જાણો છો કે આ લોકો ઘૂસણખોર છે. આપણી નોર્થ-ઈસ્ટની બોર્ડર ખૂબ જ સંવેદનશીલ છે.
તેમણે આગળ ટિપ્પણી કરતાં કહ્યું કે, શું તમને ખબર છે કે આ દેશમાં શું-શું થઈ રહ્યું છે? જો કોઈ ગેરકાયદેસર રીતે આવે છે… તો શું તમે ઇચ્છો છો કે અમે તેમના માટે રેડ કાર્પેટ પાથરીએ ? તેઓ ટનલમાંથી અંદર આવે છે અને પછી તમે કહો છો કે તેમને ખોરાક, આશ્રય, બાળકો માટે શિક્ષણ મળવું જોઈએ… શું અમે કાયદાને આટલો ખેંચીએ? હેબિયસ કોર્પસ જેવી વાતો ખૂબ જ કાલ્પનિક છે.