Last Updated on by Sampurna Samachar
હોળી-ધૂળેટી પર્વ પર સુરત રેલ્વે પ્લેટફોર્મ ઉભરાયા
લાખો શ્રમિકો ઉત્તર પ્રદેશ અને બિહારના વતની
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો આગામી હોળીના તહેવારને લઇ વતન જવા માટે રવાના થયા છે. ત્યારે સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી.

રંગોના પર્વ હોળી અને ધૂળેટીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરતમાં પરપ્રાંતિય શ્રમિકોની ઉધના રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. જેના પગલે રેલ્વે પ્રશાસન અને પોલીસ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અનેક ‘હોળી સ્પેશિયલ‘ ટ્રેનો દોડાવવામાં આવી
સુરતના ડાઈંગ-પ્રિન્ટિંગ અને લુમ્સના કારખાનાઓમાં કામ કરતા લાખો શ્રમિકો ઉત્તર પ્રદેશ અને બિહારના વતની છે. જેથી હોળીનો તહેવાર તેમના માટે અત્યંત મહત્વનો હોવાથી, મોટી સંખ્યામાં કામદારો રજાઓ લઈને વતન જઈ રહ્યા છે. ઉધના અને સુરત સ્ટેશન પર સ્થિતિ એવી છે કે પ્લેટફોર્મ પર પગ મૂકવાની પણ જગ્યા નથી.
મુસાફરોની ભારે ભીડને કારણે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે રેલ્વે પોલીસ અને RPF નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભીડને નિયંત્રિત કરવા માટે સ્ટેશન પર ખાસ બેરિકેટિંગ કરવામાં આવ્યું છે અને મુસાફરોને લાઈનબદ્ધ રીતે ટ્રેનમાં ચઢાવવામાં આવી રહ્યા છે.
રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અનેક ‘હોળી સ્પેશિયલ‘ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, તેમ છતાં મુસાફરોનો પ્રવાહ એટલો મોટો છે કે કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ બની રહી છે. અનેક મુસાફરો જનરલ કોચમાં પણ ભારે જહેમત બાદ વતન જવા નીકળી રહ્યા છે.