Last Updated on by Sampurna Samachar
અમદાવાદ, પુણે, હૈદરાબાદ, દિલ્હી અને ગુરુગ્રામમાં કરોડપતિ વધ્યા
ચીન અને અમેરિકા દેશો કરતા ભારતીય પાછળ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં કરોડપતિ પરિવારોની સંખ્યા સતત ઝડપથી વધી રહી છે. મર્સિડીઝ-બેન્ઝ હુરુન ઇન્ડિયા વેલ્થ રિપોર્ટ અનુસાર, ૨૦૨૧માં દેશમાં કરોડપતિ પરિવારોની સંખ્યા ૪.૫૮ લાખ હતી, જ્યારે હવે વધીને ૮.૭૧ લાખ થઈ ગઈ છે. રિપોર્ટ ૨૦૨૫ અનુસાર, ભારતમાં કુલ સંપત્તિ ૮.૫ કરોડ રૂપિયા અથવા તેનાથી વધુની નેટવર્થ ધરાવતા પરિવારોની સંખ્યા હવે ૮૭૧,૭૦૦ છે.

જોકે, હજુ પણ ભારતમાં કરોડપતિઓની સંખ્યા ચીન કે અમેરિકા જેવા દેશો કરતા ઓછી છે, પરંતુ અહીંની વધતી સંખ્યા ભારતના વિકાસની મોટી કહાની કહે છે. દેશના ૭૯% કરોડપતિઓ ટોપ ૧૦ રાજ્યોમાં રહે છે. આ વૃદ્ધિ ટેકનોલોજી, ફાઇનાન્સ અને ઉદ્યોગમાં વૃદ્ધિની સાથે-સાથે મજબૂત બજારોના કારણે થઈ છે.
HDFC બેન્ક સૌથી વધુ પસંદ કરવામાં આવેલ બ્રાન્ડ
રિપોર્ટમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે, આગામી ૧૦ વર્ષમાં ભારતમાં કરોડપતિ પરિવારોની સંખ્યા ૧૭ લાખથી ૨૦ લાખની વચ્ચે પહોંચી શકે છે. આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ભારતમાં કરોડપતિ પરિવારોની ટકાવારી વધીને હવે આખા ભારતના પરિવારોના ૦.૩૧% થઈ ગઈ છે, જે ૨૦૨૧માં માત્ર ૦.૧૭% હતી.
રિપોર્ટ અનુસાર, કરોડપતિ પરિવારોના મામલામાં મહારાષ્ટ્ર સૌથી આગળ છે. અહીંના ૧.૭૮ લાખથી વધુ પરિવારોની સંપત્તિ ઓછામાં ઓછી ૮.૫ કરોડ રૂપિયા છે. ત્યારબાદ દિલ્હી બીજા નંબર પર આવે છે, જ્યાં ૭૯,૮૦૦ કરોડપતિ પરિવારો છે. તમિલનાડુ પણ પાછળ નથી, અહીં ૭૨,૬૦૦ કરોડપતિ પરિવારો રહે છે.
શહેરોની વાત કરવામાં આવે તો મુંબઈમાં ૧.૪૨ લાખ કરોડપતિ પરિવારો રહે છે. રિપોર્ટ અનુસાર, બેંગલુરુમાં પણ કરોડપતિઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. કર્ણાટકની રાજધાનીમાં લગભગ ૩૧,૬૦૦ કરોડપતિ પરિવારો છે. આ ઉપરાંત અમદાવાદ, પુણે, હૈદરાબાદ, દિલ્હી અને ગુરુગ્રામ જેવા શહેરો પણ ઝડપથી ઉભરતા આર્થિક કેન્દ્ર બની રહ્યા છે, જ્યાં કરોડપતિઓની સંખ્યા દરરોજ વધી રહી છે.
૨૦૨૫ના સર્વેમાં એ પણ ખુલાસો થયો છે કે, અમીર ભારતીયો રૂપિયા અને ખર્ચને કેવી રીતે જુએ છે. નાણાકીય સ્વતંત્રતા માટે ૨૭% લોકોએ ૫૦ કરોડ રૂપિયા પૂરતા ગણાવ્યા, ૨૫% લોકોએ ૧૦ કરોડ રૂપિયા પસંદ કર્યા છે અને ૨૦% લોકોએ ૨૦૦ કરોડ રૂપિયા જણાવ્યા છે.
આમાંથી લગભગ ૬૦% પરિવારો વાર્ષિક ૧ કરોડથી ઓછો ખર્ચ કરે છે, જેમાંથી મોટાભાગનો ખર્ચ મુસાફરી, શિક્ષણ અને મનોરંજન પાછળ થાય છે. હુરુન ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, દેશમાં કરોડપતિઓ ડિજિટલ પેમેન્ટ્સ , સ્ટોક્સ, રિયલ એસ્ટેટ અને સોનામાં સૌથી વધુ રોકાણ તરીકે પસંદ કરે છે. રોલેક્સ, તનિષ્ક, એમિરેટ્સ અને HDFC બેન્ક સૌથી વધુ પસંદ કરવામાં આવેલ બ્રાન્ડ છે.