Last Updated on by Sampurna Samachar
માત્ર ૨૦ મિનિટની અંદર જ ચોરીને આપ્યો અંજામ
ક્રાઇમ બ્રાન્ચ, એ ડિવિઝન સહિતની ટીમોએ ગેંગને ઝડપી પાડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટના ત્રિકોણ બાગ નજીક આવેલા ટાઈટન કંપનીના શો-રૂમમાંથી ૧૦૨ બ્રાન્ડેડ ઘડિયાળ અને રૂપિયા ૪ લાખ રોકડા મળી કુલ રૂપિયા ૭૩ લાખના મુદ્દામાલની ચોરીનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે.
બ્રાન્ડેડ ઘડાયાળની ચોરીમાં બિહારના મોતીહારી જીલ્લાના ઘોડાસનની પ્રખ્યાત ચાદર ગેંગની સંડોવણી ખુલતા ક્રાઈમ બ્રાંચની ટીમે આ ગેંગને પકડવા બિહાર અને નેપાળ પહોચી તપાસ હાથ ધરી હતી. જેમાં નેપાળ બોર્ડર નજીક એક ગામમાંથી ગેંગના પાંચ સભ્યો પૈકી એક સાગ્રિતને ૬.૨૯ લાખની ૨૧ ચોરાઉ ઘડીયાળ સાથે ઝડપી લઇ ગેંગના અન્ય ૪ સભ્યોને પકડવા તપાસ હાથ ધરી છે.
ગેંગને ઝડપી પાડવા ગુપ્ત ઓપરેશન હાથ ધરાયું
ઉલ્લેખનીય છે કે પકડાયેલ રાકેશ પંડીત કચ્છની એક કંપનીમા નોકરી કરતો હતો. તેણે બિહારથી ચોરીમા પારંગત નાના ગોવિંદ અને તેના સાગરિતોને રાજકોટ બોલાવ્યા હતા. કચ્છ આવેલા ગોવિંદ અને રાકેશે રાજકોટ આવી અન્ય સભ્યો સાથે મળી આ ચોરીને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
રાજકોટના ત્રિકોણ બાગ નજીક ટાઈટન કંપનીના શો-રૂમમાં ગત તા.૧૭.૦૪.૨૦૨૫ના રોજ વહેલી સવારે પાંચ શખસોએ આવી ૬૮.૮૩ લાખની ૧૦૨ કિંમતી ઘડિયાળો તેમજ ૪ લાખની રોકડની ચોરી કર્યાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા શટર ઉંચકીને માત્ર ૨૦ મિનિટની અંદર જ ચોરીને અંજામ આપી પાંચેય શખસો નાસી છુટ્યા હોવાનું સામે આવ્યું હતું. જે બાદ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, એ ડિવિઝન, તેમજ અલગ અલગ ટિમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમને ચોકકસ માહીતી મળી હતી જેના આધારે ક્રાઇમ બ્રાંચનાં PSI એ.એન.પરમાર અને એમ.કે.મોવલીયાની ટીમ બિહાર અને ત્યાથી નેપાળ ખાતે આ ટોળકીને પકડવા માટે ગુપ્ત ઓપરેશન હાથ ધર્યુ હતુ.
રાજકોટ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સોર્સીસ અને હ્યુમન સોર્સીસ આધારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ચોરીને અંજામ આપી આરોપીઓ પ્રથમ હોસ્પિટલ ચોક, ત્યાંથી ગ્રીનલેન્ડ ચોક, ત્યાંથી લીમડી હોટલ, ત્યથી અમદાવાદ રેલવે સ્ટેશન, અમદાવાથી અજમેર રેલવે સ્ટેશન અને ત્યાંથી તેઓ ખાનગી ટ્રાવેલ્સ મારફત દિલ્લી પહોંચ્યા હતા જ્યાંથી સીધા ૩ આરોપી નેપાળ નાસી છૂટ્યા હતા.
જયારે બે આરોપીઓ બે દિવસ દિલ્લી રોકાણ કર્યું હતું જેમાંથી બીજા દિવસે વધુ એક આરોપી નેપાળ નાસી છૂટ્યો હતો અને અન્ય એક આરોપો બિહાર પોતાના ઘરે ગયો હતો. આ માહિતી પોલીસને મળતા ૨૫૦૦ થી વધુ કિલોમીટર અંતર કાપી ૬ દિવસ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટિમ બિહારમાં વેસ પલટો કરી રોકાઈ હતી અને આરોપી ઘરે આવ્યાની જાણ થતા તેની અટકાયત કરી રાજકોટ લાવી હતી.
નેપાળ બોર્ડરને અડીને આવેલા બિહારનાં મોતીહારી જીલ્લાનાં દરોગા ટોલામાથી આ ટોળકીનાં સાગરિત રાકેશકુમાર પંડિત (ઉ.વ.૨૩) ને પકડવામાં પોલીસને સફળતા મળી હતી. જેથી તેની ધરપકડ કરી તેની પાસેથી રાજકોટ શો રૂમમાથી ચોરાયેલ ૬.૨૯ લાખની ૨૧ ઘડિયાળ કબજે કરવામાં આવી હતી.
પોલીસે આરોપીની વધુ પુછપરછ કરતા આ ચોરીમા રાકેશ સાથે તેના કૌટુંબિક નાના કે જેઓ બિહારના રહેવાસી છે તેવા ગોવીંદ ચૌધરી, તેમજ અન્ય બિહારના રહેવાસી શ્રીરામ રામેશ્ર્વર સહ, રકસોલનો જીતેન્દ્ર શંકર સહ અને બીંદેશ્ર્વરી જગદીશ સહ સામેલ હોવાની કબૂલાત આપી હતી. પકડાયેલ આરોપી રાકેશની વધુ પુછપરછ કરતા તેને જણાવ્યું હતું કે તે પોતે તેના ભાઇ રૂપેશ સાથે કચ્છની એક કંપનીમા નોકરી કરતો હતો.
આરોપી રાકેશના નાના ગોવિંદ કચ્છ આવ્યા હતા જયાથી બંને રાજકોટ આવ્યા અને બે દિવસ સુધી રેકી કર્યા બાદ ટાઇટન કંપનીના શોરૂમમા ચોરી કરવા માટે બિહારથી ગોવિંદનાં અન્ય ૩ મિત્રો શ્રીરામ, જીતેન્દ્ર અને બીદેશ્ર્વરીને રાજકોટ બોલાવી ચોરીને અંજામ આપ્યો હતો. આ ટોળકીને પકડવા માટે ક્રાઇમ બ્રાંચની ટીમે રસોઇયા તેમજ ફેરીયાનો વેશ પલ્ટો કરી બીહારનાં મોતીહારી જીલ્લાનાં ધોરાસહન અને આસપાસનાં ગામોમા વોચ ગોઠવી રાકેશને ઝડપી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી રાકેશ પંડિત વિરુધ્ધ અગાઉ પણ બિહારના બે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૨માં અલગ અલગ ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ કામગીરીમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ મેહુલ ગોંડલીયા, એમ.એલ.ડામોરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એન.પરમાર, એમ.કે.મોવલીયા, વી.ડી.ડોડીયા સહીત પોલીસ સ્ટાફ જોડાયો હતો.
બિહારની ચાદર ગેંગ ચોરી કરતાં પહેલાં દુકાન કે શો રૂમને ચાદરથી ઢાંકી દે છે. ત્યાર પછી શટરને તોડી ચોરી કરે છે એટલા માટે આ ગેંગને “શટર તોડ ગેંગ” તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘોડાસન શહેર ભારત અને નેપાળની બોર્ડર પર આવેલું છે. ચોરી કર્યા બાદ પોલીસ પકડવા આવે ત્યારે આ ગેંગના સભ્યો નેપાળ ભાગી જાય છે. આ ગેંગ મુખ્યત્વે બ્રાન્ડેડ ઘડિયાળ, મોબાઈલ ફોન, કેમેરા અને જવેલરીના શો રૂમને નિશાન બનાવે છે. એટલું જ નહીં આ ગેંગ વહેલી સવારે ૩ થી ૫ વાગ્યા દરમિયાન જ ચોરી કરવાની ટેવ ધરાવે છે. ગેંગના સૂત્રધારને શેઠજી કે માલિક કહેવામાં આવે છે જે ગેંગના દરેક સભ્યોનો ખર્ચો ઉઠાવે છે.
ચોરી કરવા માટે આ ગેંગના ચારથી વધુ સભ્યો જાય છે. જેમાં મુખ્યત્વે બે-ત્રણ સભ્યો પહેલવાન જેવા હોય છે. જેમની પાસેથી શટર તોડાવવાનું કે ખેંચાવવાનું કામ કરાવાય છે. બાકીના બે-થી ત્રણ સભ્યો પાતળા બાંધાના હોય છે. જેમનો થોડુ શટર ઉંચકાવી તે જગ્યામાંથી અંદર જઈ ચોરી કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે આવા સભ્યોને “પ્લેયર” તરીકે ઓળખવામાં આવે છે જે શો રૂમ કે દુકાનની અંદર જઈ બોકસ તોડીને મોબાઈલ અને ઘડિયાળ બેગમાં ભરી લે છે. બોકસ તોડવાનું કારણ એ છે વધુમાં વધુ ઘડિયાળ કે મોબાઈલ વગેરે થેલામાં ભરી શકાય.
ચાદર ગેંગના સભ્યો ચોરી કરવા નીકળે ત્યારે સવારથી લઈ સાંજ સુધી પોતાના પરિવાર સાથે મોબાઈલ ફોન મારફત સંપર્કમાં રહે છે. તે વખતે માત્ર બધુ બરાબર છે એટલું જ કહે છે. જો તેઓ કોલ ન કરે તો પરિવારના સભ્યો સમજી જાય છે કૈક અજુગતુ થયું છે. અમુક સભ્યો ચોરી કરવા દુકાન કે શો રૂમમાં ઘુસે ત્યારે પાછળથી બાકીના સભ્યો બહાર પોલીસ આવતી નથી તેની વોચ રાખે છે.