Last Updated on by Sampurna Samachar
તસ્કરોએ ચોરી કર્યાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ
રહેણાંક મકાનમાંથી લાખોની ચોરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ નજીક આવેલા મેટોડા GIDC વિસ્તારમાં તસ્કરોનો આતંક વધી રહ્યો છે. મેટોડા GIDC વિસ્તારની આસ્થા વિલેજ સોસાયટીમાં તસ્કરોએ એક રહેણાંક મકાનને નિશાન બનાવીને લાખો રૂપિયાની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, તસ્કરોએ મકાનમાંથી સોનાના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી હતી. ચોરીમાં અંદાજિત ત્રણ તોલા જેટલું સોનું (જેની કિંમત ત્રણ લાખથી વધુ આંકવામાં આવી રહી છે) અને રૂપિયા ૪૫,૦૦૦ની રોકડ રકમનો મુદ્દામાલ ચોરાયો છે. જોકે, તસ્કરોએ ચોરી કર્યાની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. CCTV ફૂટેજના આધારે પોલીસને તસ્કરોની ઓળખ અને પકડવામાં મદદ મળી શકે છે.
સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ચોરીનો ગુનો નોંધીને CCTV ફૂટેજ કબજે કર્યા છે અને તસ્કરોને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે. રહેણાંક વિસ્તારમાં ચોરીની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.