Last Updated on by Sampurna Samachar
નોબલ પુરસ્કાર વિજેતા જોસેફ સ્ટિગ્લિટ્જના અભ્યાસમાં જાહેર
ચીનમાં આ આંકડો ૫૪ ટકા રહ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિશ્વમાં આવકની અસમાનતા વધી રહી હોવાનો એક ચોંકાવનારો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાની જી૨૦ અધ્યક્ષતા હેઠળ રચાયેલી સમિતિ દ્વારા તૈયાર આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા ૨૪ વર્ષમાં વિશ્વમાં સર્જાયેલી નવી સંપત્તિમાં ટોચના ૧ ટકા ધનિકોનો હિસ્સો ૪૧ ટકા રહ્યો છે. જેમાં ભારતના સૌથી વધુ સંપત્તિ ધરાવતા ૧ ટકા ધનિકોની સંપત્તિ ૬૩ ટકા વધી છે.

નોબલ પુરસ્કાર વિજેતા જોસેફ સ્ટિગ્લિટ્જના નેતૃત્વમાં હાથ ધરાયેલા અભ્યાસમાં આગાહી કરવામાં આવી હતી કે, વૈશ્વિક અસમાનતા સંકટના સ્તર પર પહોંચી છે, જેનાથી લોકશાહી, આર્થિક સ્થિરતા અને જળવાયુ વિકાસ પર જોખમ વધ્યું છે.
વધુ વસ્તી ધરાવતા દેશોની માથાદીઠ આવક વધી
વૈશ્વિક અસમાનતા પર સ્વતંત્ર તજજ્ઞોની જી૨૦ અસાધારણ સમિતિએ જણાવ્યું કે, વૈશ્વિક સ્તર પર ૨૦૦૦થી ૨૦૨૪ દરમિયાન થયેલા કુલ સંપત્તિ સર્જનમાં ૪૧ ટકા હિસ્સો સૌથી ધનિક ૧ ટકા વસ્તીનો રહ્યો હતો. જ્યારે નિમ્ન વર્ગની આવક ધરાવતા વસ્તીનો તેમાં માત્ર ૧ ટકા હિસ્સો રહ્યો હતો. આ સમિતિમાં અર્થશાસ્ત્રી જયતિ ઘોષ, વિની બયાનીમા અને ઈમરાન વાલોદિયા સામેલ છે.
રિપોર્ટ અનુસાર, આંતર-દેશીય અસમાનતામાં ઘટાડો નોંધાયો છે. ચીન અને ભારત જેવા વધુ વસ્તી ધરાવતા દેશોની માથાદીઠ આવક વધી છે. ગ્લોબલ જીડીપીમાં હાઈ ઈન્કમ ધરાવતા દેશોનો હિસ્સો ઘટ્યો છે. ભારતમાં વર્ષ ૨૦૦૦થી ૨૦૨૩ દરમિયાન સૌથી વધુ ધનિક ૧ ટકા વસ્તીની સંપત્તિમાં હિસ્સો ૬૩ ટકા વધ્યો છે. ચીનમાં આ આંકડો ૫૪ ટકા રહ્યો છે.
વૈશ્વિક સ્તરે આવકની અસમાનતા પર નજર રાખવા અને નીતિ નિર્માણમાં માર્ગદર્શન માટે જળવાયુ પરિવર્તન પર આંતર-સરકારી સમિતિ (આઈપીસીસી) ના આધાર પર એક આંતરરાષ્ટ્રીય અસમાનતા સમિતિ (આઈપીઆઈ)ની રચનાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. દક્ષિણ આફ્રિકાની જી૨૦ની અધ્યક્ષતા હેઠળ ઘડાનારી આ સમિતિ સરકારને અસમાનતાના આંકડા અને તેના કારણો વિશે માહિતી ઉપલબ્ધ કરાવશે. વધુ પડતી આવકની અસમાનતા ધરાવતા દેશોમાં સમાન દેશોની તુલનાએ લોકતંત્રના પતનની સંભાવના સાતગણી વધુ છે.
વર્ષ ૨૦૨૦થી વૈશ્વિક સ્તરે ગરીબીમાં ઘટાડો થયો છે, અમુક ક્ષેત્રોમાં સ્થિતિ અત્યંત કથળી છે. ૨.૩ અબજ લોકો મધ્યમ અને ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૯થી ૩૩.૫ કરોડથી વધુ લોકો ભૂખમરોનો સામનો કરી રહ્યા છે. વિશ્વની અડધી વસ્તી આજે પણ આવશ્યક પ્રાથમિક આરોગ્ય સેવાઓથી વંચિત છે. ૧.૩ અબજ લોકો ઓછી આવક અને સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચના કારણે ગરીબીમાં જીવી રહ્યા છે.