Last Updated on by Sampurna Samachar
ફિલિપાઈન્સમાં કાલમેગી નામના ઘાતક વાવાઝોડાએ મચાવી તબાહી
મૃત્યુઆંક ૨૪૧ ને પાર પહોંચ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટાયફૂન કાલમેગીએ ફિલિપાઈન્સમાં તબાહી મચાવી દીધી છે. આ ભયાનક તોફાનને કારણે આવેલા પુરને કારણે અત્યાર સુધીમાં ૨૪૧થી વધુ લોકોના જીવ ગયા છે અને ૧૨૭ લોકો ગૂમ છે. હજારો ઘર, વાહનો, પુલ વહી ગયા છે. સરકારી એજન્સીઓએ તેને અભૂતપૂર્વ આફત ગણાવી છે. રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ માર્કોસ જૂનિયરે ગુરુવારે ઈમરજન્સી જાહેર કરી છે.

ફિલિપાઈન્સના સેબૂ પ્રાંતમાં પુરના પાણી એટલે તેજ હતા કે કારો, ઝૂપડાં, મોટા મોટા શિપિંગ કન્ટેનર સદ્ધા વહી ગયા. સેબૂ શહેર પાસે આવેલા લિલોઅન કસ્બામાંથી જ ૩૫ મૃતદેહો મળી આવ્યા છે. રસ્તાઓ પર હજુ પણ કીચડ અને કાદવ છે. ઘરોના છાપરા ઉડી ગયા છે.
સમુદ્રમાં આઠ મીટર ઊંચાઈ સુધી લહેરો ઉઠી શકે
મીડિયા રિપોર્ટ મુજબ એક સ્થાનિક મહિલાએ ક્રિસ્ટીન એટને જણાવ્યું કે તેમની વિકલાંગ બહેન મિશેલ પાણીમાં ફસાઈ ગઈ હતી. તેમણે જણાવ્યું કે અમે ચાકૂ અને રોડથી દરવાજો ખોલવાની કોશિશ કરી પરંતુ નિષ્ફળ ગયા. પાણી એટલું વધી ગયું કે ફ્રિજ પણ તરવા લાગ્યું હતું. પપ્પાએ કહ્યું કે જો આપણે કોશિશ કરી તો આપણે ત્રણેય ડૂબી જઈશું.
પાડોશી નેગ્રોસ ટાપુ ઉપર પણ ભયાનક સ્થિતિ છે. ત્યાં ઓછામાં ઓછા ૩૦ લોકોના જીવ ગયા. પોલીસ અધિકારી સ્ટીફન પોલીનારના જણાવ્યાં મુજબ વરસાદથી જ્વાળામુખીની રાખ અને માટી વહીને નીચેના ગામોમાં આવી ગયા જેના લીધે ઘરો સંપૂર્ણ રીતે દબાઈ ગયા.
સરકારી રિપોર્ટ્સ મુજબ મૃતકોમાં છ સૈન્ય કર્મીઓ પણ સામેલ છે. જેમનું હેલિકોપ્ટર રાહત મિશન દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સેબૂમાં પુરથી તબાહી એટલી મોટી હતી કે સ્થાનિક દુકાનદાર રેનાલ્ડો વર્ગારાએ કહ્યું કે, સવારે ચાર વાગ્યા બાદ પાણી એટલું તેજ હતું કે બહાર નીકળવું પણ મુશ્કેલ હતું. બધુ વહી ગયું. આવું ક્યારેય થયું નથી. લગભગ ૮૦૦,૦૦૦ લોકોને તોફાનના રસ્તામાંથી હટાવાયા છે.
હવામાન વિશેષજ્ઞ ચાર્મેન વરિલાના જણાવ્યાં મુજબ સેબૂ વિસ્તારમાં ફક્ત ૨૪ કલાકમાં ૧૮ સેન્ટીમીટર વરસાદ પડ્યો જે મહિનાભરના સરેરાશ વરસાદ કરતા ઘણો વધુ હતો. તેમણે જણાવ્યું કે તે અત્યાર સુધીનો સૌથી ભીષણ વરસાદ હતો.
તોફાન કાલમેગી હવે વિયેતનામ તરફ આગળ વધી રહ્યું છે. સવાર સુધીમાં તેના પવનની ઝડપ ૧૫૫ કિલોમીટર પ્રતિ કલાક હતી. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે સમુદ્રમાં આઠ મીટર ઊંચાઈ સુધી લહેરો ઉઠી શકે છે. વિયેતનામ સરકારે તેને ખુબ ખતરનાક તોફાન ગણાવતા તમામ કાંઠા વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું છે.