Last Updated on by Sampurna Samachar
ડિપોર્ટેશન ખર્ચ ઘટાડવા અમેરિકા સરકારનો મોટો ર્નિણય
સ્વદેશ પહોંચ્યાની ખાતરી થયા બાદ થશે ચૂકવણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વેચ્છાએ અમેરિકા છોડનારા ગેરકાયદે પ્રવાસીઓને ૧૦૦૦ ડોલર તેમજ થતો મુસાફરી ખર્ચમાં સહાય આપશે. અમેરિકામાં રહેતાં ગેરકાયદે પ્રવાસીઓ સ્વેચ્છાએ સામૂહિક ધોરણે પોતાના વતન સરળતાથી પહોંચી શકે તે હેતુ સાથે ટ્રમ્પે આ ર્નિણય લીધો હોવાનું જણાવ્યું છે.
હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે આ અંગે માહિતી આપી હતી કે, DHS એ ગેરકાયદે રહેતા વિદેશીઓને CBP એપ મારફત પોતાના વતન પરત મોકલવા માટે નાણાકીય અને મુસાફરી સહાયતા પ્રદાન કરવાની એક ઐતિહાસિક તક જાહેર કરી છે. કોઈપણ ગેરકાયદે વસવાટ કરતો પ્રવાસી સ્વેચ્છાએ જ CBP હોમ એપનો ઉપયોગ કરી પોતાના વતન જવાની તૈયારી દર્શાવે છે તો, તેને ૧૦૦૦ ડોલરનું સ્ટાઈપેન્ડ (વળતર) મળશે. જેની ચૂકવણી તેના સ્વદેશ પહોંચ્યાની ખાતરી થયા બાદ થશે.
સ્વેચ્છાએ જતા લોકોને સરકાર ચૂકવશે વળતર
મીડિયા રિપોર્ટ અનુસાર, આ વળતરનો ખર્ચ થતો હોવા છતાં અમેરિકા (AMERICA) ની સરકાર દ્વારા હાથ ધરાયેલી ડિપોર્ટેશનની કવાયતના ખર્ચમાં ૭૦ ટકા સુધીનો ઘટાડો થશે. હાલ અમેરિકાની સરકારને એક ગેરકાયદે રહેતાં પ્રવાસીની ધરપકડ, અટકાયત તથા તેને ડિપોર્ટ કરવાનો ખર્ચ ૧૭, ૧૨૧ ડોલર છે. એપની મદદથી સ્વેચ્છાએ લોકો પરત ફરવા પર સરકાર ૧૦૦૦ ડોલર તેમજ ટિકિટ ખર્ચ ચૂકવશે. જે તેના ડિપોર્ટેશન ખર્ચ કરતાં અનેકગણો ઓછો છે.
હોમલેન્ડ સિક્યોરિટીના સચિવ ક્રિસ્ટી નોએમે જણાવ્યું હતું કે, જો તમે ગેરકાયદે અમેરિકામાં વસવાટ કરી રહ્યા છો, તો આ ધરપકડથી બચવા અને અમેરિકા છોડવા માટેની સર્વોત્તમ તક છે. જેમાં સૌથી સુરક્ષિત અને સારી રીતે તમે અમેરિકા છોડી શકો છો.
ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખનું પદ સંભાળ્યા બાદથી અમેરિકા ફર્સ્ટ નીતિ પર જોરશોરથી કામ શરૂ કર્યા છે. જેમાં તેમણે ગેરકાયદે વસતાં વિદેશીઓને હાંકી કાઢવાની મોટાપાયે કવાયત હાથ ધરી છે. અને તેમાં સફળ રહ્યા હોવાનો દાવો તેમણે પોતે જ મિશિગનમાં યોજાયેલી એક રેલીમાં કર્યો હતો. એક રિપોર્ટમાં જણાવાયું હતું કે, એક ક્ષેત્ર જ્યાં સરકાર પોતાના વર્તમાન લક્ષ્યો પૂરા કરવામાં નિષ્ફળ રહી હોય, ત્યાં ડિપોર્ટેશનનું પ્રમાણ વધુ હોય છે. લોકોને ટ્રમ્પનો આ દ્રષ્ટિકોણ પસંદ આવ્યો નથી. તેમને લાગી રહ્યું છે કે, તેઓ કોઈપણ યોગ્ય કાર્યવાહી વિના લોકોને ડિપોર્ટ કરી રહ્યા છે.