રખડતા શ્વાનોનો આતંક યથાવત

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ભેસ્તાનમાં ચાર વર્ષના બાળક પર શ્વાનના ઝુંડે હુમલો કર્યો

ડોક્ટરોના જણાવ્યા મુજબ બાળકના ચહેરા પાસે ઇજા પહોંચી હોવાથી ખાસ કાળજી રાખવામાં આવી રહી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત રહ્યો છે અને સતત આવી ઘટનાઓ સામે આવતાં લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલી ગણેશ નગર સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર ચાર વર્ષના નિર્દોષ બાળક પર રખડતા શ્વાનોના ઝુંડે હુમલો કર્યો હતો. આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ અને ભય ફેલાયો છે.

મળતી માહિતી મુજબ, ભેસ્તાનના ગણેશ નગર વિસ્તારમાં રહેતું ચાર વર્ષનું બાળક ઘરની બહાર રમતું હતું. તે દરમિયાન અચાનક ત્યાં ફરતા શ્વાનોના ઝુંડે બાળકને ઘેરી લીધું અને તેના પર હુમલો કરી દીધો. શ્વાનોએ બાળકના આંખ નીચે બચકાં ભર્યા હતા. જેના કારણે બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હતું. બાળકના રડવાનો અવાજ સાંભળતા જ આસપાસના લોકો તરત જ દોડી આવ્યા અને શ્વાનોને ભગાડી બાળકને બચાવ્યું.

રખડતા શ્વાનોની સંખ્યા વધી

ઘટના બાદ ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. હાલ હોસ્પિટલમાં બાળકને સારવાર આપવામાં આવી રહી છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ બાળકના ચહેરા પાસે ઇજા પહોંચી હોવાથી ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. જોકે હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.બાળકની માતા રેખા કુમારીએ જણાવ્યું હતું કે, વિસ્તારમાં લાંબા સમયથી રખડતા શ્વાનોનો ઉપદ્રવ વધતો જઈ રહ્યો છે.

અનેક વખત સ્થાનિક લોકોને શ્વાનો દ્વારા દોડાવવાની અને હુમલો કરવાની ઘટનાઓ બની છે. છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું કે જો સમયસર પગલાં લેવામાં આવ્યા હોત તો કદાચ આવી ઘટના ટાળી શકાય તેમ હતી.સ્થાનિક રહેવાસીઓનું પણ કહેવું છે કે, ભેસ્તાન અને આસપાસના વિસ્તારોમાં રખડતા શ્વાનોની સંખ્યા સતત વધી રહી છે.

સવાર-સાંજના સમયે બાળકો અને વૃદ્ધોને બહાર નીકળવામાં પણ ડર લાગતો થયો છે. અનેક વખત સુરત મહાનગરપાલિકાને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કોઈ સ્થાયી સમાધાન આવ્યું નથી.આ ઘટનાના પગલે ફરી એકવાર શહેરમાં રખડતા શ્વાનોના મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. લોકોનું કહેવું છે કે, શહેરમાં વધતા શ્વાનોના આતંકને નિયંત્રણમાં લેવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાં જરૂરી બની ગયા છે.

ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં બાળકોની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે. હાલ આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો સુરત મહાનગરપાલિકા પાસે રખડતા શ્વાનોને પકડવાની અને વિસ્તારમાંથી દૂર કરવાની તાત્કાલિક માંગ કરી રહ્યા છે. જાે સમયસર પગલાં નહીં લેવાય તો આવી દુર્ઘટનાઓ ફરી બનવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.