Last Updated on by Sampurna Samachar
ભારત ચીન સાથે સકારાત્મક દિશામાં કરશે કામગીરી
ચીનની નજર હવે ભારત પર ગઇ છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાએ ખાંડની આયાત પર ૨૦ ટકા ટેરિફની જાહેરાત કરી છે. આ બધા વચ્ચે, ચીનની નજર હવે ભારત પર ટકેલી છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ નવી દિલ્હી અને બેઇજિંગને સાથે મળીને કામ કરવા અને વર્ચસ્વવાદ અને સત્તાના રાજકારણનો વિરોધ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા હાકલ કરી હતી. અમેરિકા સાથે ચાલી રહેલા વિવાદના સંદર્ભમાં તેમના નિવેદન પર વિચારણા કરવામાં આવી રહી છે.
ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ નેશનલ પીપલ્સ કોંગ્રેસની બેઠક પછી કહ્યું કે, “ડ્રેગન અને હાથીનું નૃત્ય કરવું એ એક વાસ્તવિકતા છે અને એકમાત્ર સાચો વિકલ્પ છે. એકબીજાને નબળા પાડવાને બદલે એકબીજાને ટેકો આપવો અને સહયોગને મજબૂત બનાવવો એ બંને દેશોના મૂળભૂત હિતમાં છે.”
વિદેશમંત્રી એસ જયશંકરનુ કહેવુ
તેમણે કહ્યું કે જો બંને દેશો, જે એશિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ છે, એક સાથે આવે તો આંતરરાષ્ટ્રીય સંબંધોના લોકશાહીકરણ અને ગ્લોબલ સાઉથના વિકાસ અને મજબૂતીકરણ માટે ઉજ્જવળ ભવિષ્ય હશે. ગ્લોબલ સાઉથ એવા દેશોનો ઉલ્લેખ કરે છે, જેમને ઘણીવાર વિકાસશીલ, ઓછા વિકસિત અથવા અવિકસિત તરીકે ઓળખવામાં આવે છે અને તેઓ મુખ્યત્વે આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકામાં સ્થિત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઘણીવાર ગ્લોબલ સાઉથ શબ્દનો ઉપયોગ કરતા જોવા મળે છે.
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે પૂર્વી લદ્દાખમાં ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા લશ્કરી ગતિરોધના અંત પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સકારાત્મક પ્રગતિ થઈ છે અને તમામ સ્તરે પ્રોત્સાહક પરિણામો પ્રાપ્ત થયા છે.
વાંગે જણાવ્યું હતું કે, ગયા વર્ષે રશિયાના કાઝાન શહેરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની સફળ મુલાકાત બાદ ચીન-ભારત સંબંધોમાં સકારાત્મક પ્રગતિ થઈ છે. તેમણે કહ્યું કે, આ પછી, બંને પક્ષોએ નેતાઓ વચ્ચે થયેલી સામાન્ય સમજણનું નિષ્ઠાપૂર્વક પાલન કર્યું, તમામ સ્તરે આદાનપ્રદાન અને વ્યવહારુ સહયોગને મજબૂત બનાવ્યો અને ઘણા સકારાત્મક પરિણામો પ્રાપ્ત કર્યા હતા. જોકે, ભારતે હજુ સુધી આ નિવેદનનો કોઈ જવાબ આપ્યો નથી. આ અગાઉ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, ભારત સરકાર ચીન સાથેના સંબંધો માટે સકારાત્મક દિશા નક્કી કરવા માટે કામ કરી રહી છે.