Last Updated on by Sampurna Samachar
માવઠાથી થયેલા નુકસાનની સહાય ચૂકવવા સૈદ્ધાંતિક ર્નિણય
કેબિનેટની બેઠકમાં સર્વેને આખરે મંજૂરી આપવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસેલા કમોસમી વરસાદને કારણે ખેતરોમાં પાકને થયેલા ભારે નુકસાનની સ્થિતિનો તાત્કાલિક તાગ મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાબડતોબ કાર્યવાહી કરી છે. સ્થિતિની સમીક્ષા અને પાક નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવાની સરકારે હૈયાધારણા આપી છે.

કેબિનેટની બેઠકમાં આ અંગેના સર્વેને આખરે મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર હવે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં થયેલા નુકસાનનો સર્વે કરાવશે. આ સર્વેની કામગીરી માટે ગ્રામસેવકોને આદેશ આપવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ બેઠક બાદ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ સર્વેની કામગીરી એક અઠવાડિયામાં (૭ દિવસમાં) પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયો છે.
ખેડૂત સહાય વગર રહેશે નહીં
મુખ્યમંત્રીએ અધિકારીઓને આદેશ આપીને ૫ જિલ્લાઓને અતિ ભારે વરસાદવાળા વિસ્તાર તરીકે નક્કી કર્યા છે. મંત્રીએ મુખ્યમંત્રીને માહિતીગાર કર્યા હતા. સરકારે ધારાસભ્યો, સંસદ સભ્યો અને લોકો સાથે ચર્ચા કરીને અસરગ્રસ્ત ખેડૂતો અને ખેતરોની માહિતી મેળવી છે. મંત્રી વાઘાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ ખેડૂત સહાય વગર રહેશે નહીં, એવો રાજ્ય સરકાર ર્નિણય કરશે.
કમોસમી વરસાદનો ગાળો: ૨૩ ઓક્ટોબર થી ૨૮ ઓક્ટોબર સુધી.
અસરગ્રસ્ત વિસ્તાર: ૩૩ જિલ્લાના ૨૩૯ તાલુકામાં વરસાદ પડ્યો.
સર્વેની મુદત: જિલ્લા વહીવટી તંત્રને ૭ દિવસમાં સર્વે પૂર્ણ કરવા આદેશ.
સર્વેનો પ્રકાર: રાજ્ય સરકાર ટેક્નિકલ સર્વે ઉપરાંત ફિઝિકલ સર્વે પણ કરશે, જેથી કોઈ અસરગ્રસ્ત ખેડૂત બાકી ન રહી જાય.
નુકસાનનો અંદાજ: ૧૦ લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં પાકો અસરગ્રસ્ત થયા છે, જેમાં મુખ્યત્વે શેરડી, મગફળી, કપાસ જેવા પાકોનો સમાવેશ થાય છે.
 
				 
								