Last Updated on by Sampurna Samachar
પ્રેમી-પંખીડાએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
ઝેરી દવા પી લેતા બંનેની તબિયત લથડી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલા અજાબ ગામમાં પ્રેમ પ્રકરણમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પાડોશમાં જ રહેતા અને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ યુવક-યુવતીએ એકસાથે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. સામાજિક કારણોસર લગ્ન શક્ય ન હોવાથી હતાશામાં આવીને આ પ્રેમી યુગલે આત્યંતિક પગલું ભરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલા અજાબ ગામમાં રહેતા આ પ્રેમી પંખીડાઓ પાડોશમાં જ રહેતા હતા અને લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં હતા. તેઓ સાથે મળીને લગ્ન કરી નવું જીવન શરૂ કરવા માંગતા હતા, પરંતુ કોઈ કારણોસર તેમના પ્રેમ લગ્ન શક્ય ન હોવાનું તેમને જણાયું હતું.
ગામમાં આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી
પરિવાર કે સમાજ આ સંબંધને સ્વીકારશે નહીં તેવા ડર અને દુ:ખમાં બંનેએ સાથે મળીને ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પી લેતા બંનેની તબિયત લથડી હતી, જેની જાણ થતા જ તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ બંનેની સ્થિતિ કેવી છે તે અંગે તબીબી નિરીક્ષણ હેઠળ તપાસ ચાલી રહી છે. બીજી તરફ, ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર ઘટના અંગે પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી છે. ગામમાં આ ઘટનાને પગલે ભારે ચર્ચા જાગી છે.