Last Updated on by Sampurna Samachar
ઓછામાં ઓછા રૂ. ૨૦નું મહેનતાણું ચૂકવવામાં આવશે
મહેનતાણામાં સમાનતા લાવવા સરકારનો ર્નિણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર કામ કરતા ગ્રામ કોમ્પ્યુટર સાહસિકોની આવક વધારવા માટે એક મહત્ત્વનો ર્નિણય લીધો છે. હવે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા VCE ને સોંપવામાં આવતી કામગીરી માટે યુનિટ દીઠ ઓછામાં ઓછા રૂ. ૨૦નું મહેનતાણું ચૂકવવામાં આવશે.

ઇન્ફર્મેશન ટેકનોલોજીના માધ્યમથી શહેરી વિસ્તાર જેવી ઇ-સેવાઓ ગ્રામ કક્ષાએ મળી રહે તે માટે રાજ્ય સરકારે ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકી છે. VCE દ્વારા ગ્રામજનોને ૭/૧૨, ૮-અ અને હક્કપત્રની નકલ, ખેડૂત રજીસ્ટ્રેશન, ટેકાના ભાવે ખરીદી, જન્મ-મરણના દાખલા, આવકનું પ્રમાણપત્ર અને રેશનકાર્ડ સુધારા-વધારા જેવા ફોર્મ ભરવાની સેવાઓ અપાય છે.
કોઈપણ કામગીરી માટે VCE ને મહેનતાણું ચૂકવવુ ફરજિયાત
અગાઉ, જુદા જુદા વિભાગો દ્વારા વિવિધ કામગીરી માટે કમિશન પેટે ચૂકવવામાં આવતી રકમ અલગ-અલગ ધોરણે નિયત થતી હતી, જેના કારણે મહેનતાણામાં સમાનતા જળવાતી નહોતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની તાજેતરમાં યોજાયેલી ૧૨મી ગવર્નિંગ બૉડીની બેઠકમાં મહેનતાણામાં સમાનતા લાવવા માટે તાત્કાલિક સૂચનાઓ આપી હતી.
ત્યાર બાદ પંચાયત વિભાગે પરિપત્ર કરીને જણાવ્યું છે કે, હવે કોઈપણ કામગીરી માટે VCE ને યુનિટ દીઠ ન્યૂનતમ રૂ. ૨૦નું મહેનતાણું ચૂકવવું ફરજિયાત રહેશે. એટલું જ નહીં, સંબંધિત વિભાગોએ VCE ને કામગીરી સોંપતા પહેલા પંચાયત વિભાગ તથા ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીને જાણ પણ કરવાની રહેશે.