Last Updated on by Sampurna Samachar
દિગ્ગજ ક્રિકેટરો સાથે ક્રિકેટ રમતો જોવા મળશે
હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જો તમે પણ આજેર્ન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સીના મોટા ચાહક છો તો આ સમાચાર તમારા માટે છે. મેસ્સી આ વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બરમાં ભારત આવી શકે છે. આ સ્ટાર ફૂટબોલર મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પોતાનો જાદુ ફેલાવશે. મળતા રિપોર્ટ અનુસાર, મેસ્સી ફૂટબોલમાં નહીં, પરંતુ ક્રિકેટમાં પોતાનો હાથ અજમાવતો જોવા મળશે. મેસ્સી સચિન તેંડુલકર, રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરો સાથે મેચ રમી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
મળતી માહિતી અનુસાર, લિયોનેલ મેસ્સી ૧૪ ડિસેમ્બરે વાનખેડે મેદાન પર પોતાનો જાદૂ ફેલાવતો જોવા મળશે. એવું માનવામાં આવે છે કે જો બધું યોજના મુજબ રહ્યું તો મેસ્સી સચિન તેંડુલકર, રોહિત શર્મા, એમએસ ધોની અને વિરાટ કોહલી સાથે ક્રિકેટ મેચ રમતો જોવા મળશે.
દિલ્હી અને કોલકાતાની પણ મુલાકાત લઈ શકે
એક ઇવેન્ટ એજન્સીએ મુંબઈ ક્રિકેટ એસોસિએશનને ૧૪ ડિસેમ્બર સુધી મેદાનને બ્લોક રાખવા માટે વિનંતી કરી છે. મેસ્સી ભારતની મુલાકાત લેશે. સૂત્રએ જણાવ્યું હતું કે, “મેસ્સી ૧૪ ડિસેમ્બરે વાનખેડે સ્ટેડિયમ આવશે. તે ભૂતપૂર્વ અને વર્તમાન ખેલાડીઓ સાથે ક્રિકેટ મેચ પણ રમી શકે છે. આયોજકો સંપૂર્ણ સમયપત્રક તૈયાર કર્યા પછી આ અંગે માહિતી આપશે.”
લિયોનેલ મેસ્સી ૧૩ થી ૧૫ ડિસેમ્બર સુધી ભારતના પ્રવાસે આવી શકે છે. મેસ્સી આ સમય દરમિયાન મુંબઈ ઉપરાંત દિલ્હી અને કોલકાતાની પણ મુલાકાત લઈ શકે છે. આ સ્ટાર ફૂટબોલર ૧૪ વર્ષ પછી ભારત આવશે. અગાઉ તે ૨૦૧૧માં મૈત્રીપૂર્ણ મેચ રમવા માટે ભારત આવ્યો હતો. અગાઉ એવા અહેવાલો હતા કે મેસ્સી ઓક્ટોબરમાં આખી આજેર્ન્ટિનાની રાષ્ટ્રીય ટીમ સાથે ભારત આવી શકે છે. જોકે, આ યોજના હાલ માટે મુલતવી રાખવામાં આવી છે. ૩૮ વર્ષીય મેસ્સી હાલમાં ઇન્ટર મિયામી ક્લબ તરફથી રમી રહ્યો છે. મેસ્સી આવતા વર્ષે તેનો છેલ્લો ફિફા વર્લ્ડ કપ રમતા જોવા મળશે. ૨૦૨૨માં તેણે પોતાની કેપ્ટનશીપમાં આજેર્ન્ટિનાને ચેમ્પિયન બનાવ્યું હતું