Last Updated on by Sampurna Samachar
પ્રદર્શનકારીઓએ આગ ચાંપતા પૂર્વ PM ના પત્નીનું નિધન
પ્રદર્શનકારીઓએ તેમના પત્નીને પણ માર માર્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
નેપાળમાં ચાલી રહેલી હિંસક ઘટનાઓ વચ્ચે દેશનું રાજકીય ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને સેનાના હેલિકોપ્ટરમાં સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે. નેપાળની સ્થિતિ ખૂબ જ વણસી ગઈ છે. પ્રદર્શનકારીઓએ નેપાળની ફેડરલ સંસદને આગ ચાંપી દીધી છે.
એટલું જ નહીં પ્રદર્શનકારીઓએ કે.પી. શર્મા ઓલીના નિવાસસ્થાને, રાષ્ટ્રપતિ ભવન, નેપાળી કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયમાં પણ આગ ચાંપી દીધી છે.એવામાં હાલ નેપાળથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નેપાળના પૂર્વ વડાપ્રધાનના પત્નીનું નિધન થયું છે.
નાણામંત્રીને દોડાવી દોડાવીને માર માર્યો
સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, પ્રદર્શનકારીઓએ પૂર્વ વડાપ્રધાન ઝાલાનાથ ખનાલના ઘરને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન તેમના પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકાર ઘરમાં હતા. તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેથી તેઓને તાત્કાલિક કીર્તિપુર બર્ન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે.
ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ નેપાળના પૂર્વ વડાપ્રધાન શેર બહાદુર દેઉબાને ઘરમાં ઘૂસીને માર માર્યો હતો. એટલું જ નહીં, પ્રદર્શનકારીઓએ તેમના પત્નીને પણ માર માર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લાલઘૂમ થયેલા પ્રદર્શનકારીઓએ સિંહ દરબાર પરિસરમાં આ નેતાઓને માર માર્યો હતો. તો નાણામંત્રી વિષ્ણુ પૌડેલને કાઠમંડુમાં તેમના ઘર નજીક દોડાવી દોડાવીને મારવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક આંદોલનકારી વિષ્ણુ પૌડેલની છાતી પર લાત મારતો જોવા મળે છે.