Last Updated on by Sampurna Samachar
ભાઈ-બહેન પર રસ્તામાં સગા કાકા લાકડી લઈને તૂટી પડ્યા
ધરમપુરી ગામમાં સગા કાકાએ પોતાના ભત્રીજા અને ભત્રીજીની ર્નિદયતાથી હત્યા કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્ય પ્રદેશના સીહોર જિલ્લામાંથી એક ભયાનક ઘટના સામે આવી છે, જેણે સંબંધોને શર્મસાર કરી દીધા છે. સીહોર જિલ્લાના સિદ્દીકગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ધરમપુરી ગામમાં એક સગા કાકાએ પોતાના જ ભત્રીજા અને ભત્રીજીની ર્નિદયતાથી હત્યા કરી દીધી છે. સૌથી દુ:ખદ વાત એ છે કે બંને ભાઈ-બહેન પોતાના હાથમાં ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ લઈને પરીક્ષા આપવા જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમના સગા કાકાએ તેમના પર હુમલો કરી દીધો.

મળતી માહિતી અનુસાર, મૃતક શીતલ (૨૦ વર્ષ) અને કુલદીપ (૧૮ વર્ષ) શુક્રવારે સવારે પરીક્ષા આપવા માટે ઘરેથી નીકળ્યા હતા. તેમના ખંભા પર દફતર હતું અને હાથોમાં રોલ નંબરની રિસિપ્ટ હતી. પરંતુ ઘરથી થોડે દૂર તેમના કાકા હરિસિંહ માલવીયાએ તેમના પર લાકડી વડે હુમલો કર્યો. હરીસિંહ બંને ભાઈ બહેન પર લાકડી લઈને તૂટી પડ્યો. જેમાં બંને ભાઈ-બહેનને ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું.
મૃતકોના પિતા જગદીશ માલવીયાનું કહેવું છે કે, આ હુમલો અચાનક નહોતો, પરંતુ તેની પાછળ જૂની અદાવત હતી. જગદીશ માલવીયાના જણાવ્યા અનુસાર આરોપી હરિસિંહને ખબર હતી કે આજે બંને બાળકોનું પેપર છે અને તેઓ આ જ રસ્તેથી જશે. તે સવારથી જ લાકડી લઈને છુપાઈને બેઠો હતો. પરિવારનું કહેવું છે કે, જૂની અદાવતનો બદલો લેવા માટે આરોપીએ નિર્દોષ બાળકોને નિશાન બનાવ્યા.
હત્યાકાંડ પછી ગામમાં માતમ છવાયો
આ ડબલ હત્યાકાંડ પછી ગામમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી આવી છે અને ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ અધિકારીએ પીડિત પરિવારને વિશ્વાસ અપાવ્યો છે કે આરોપીને કડકમાં કડક સજા આપવામાં આવશે.
હત્યાકાંડ અંજામ આપ્યા બાદ આરોપી હરિસિંહ માલવીય ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. એડિશનલ એસ.પી. સુનીતા રાવતે જણાવ્યું કે, આરોપીની ધરપકડ માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. પોલીસની ટીમો જંગલો અને આરોપીના સંભવિત ઠેકાણાઓ પર સતત દરોડા પાડી રહી છે. પોલીસનો દાવો છે કે, જલદી આરોપીને ઝડપી લેવામાં આવશે.