Last Updated on by Sampurna Samachar
વલસાડમાં ગટરનું ઢાંકણું તૂટતા દુકાનદાર અંદર ખાબક્યો
આ ગટરના ઢાંકણા પર ઉભા રહી એક વ્યક્તિ વાત કરી રહ્યાં હતાં ત્યારે જ ગટરનું ઢાંકણું તૂટી જતા તેઓ ઊંડી ગટરમાં ખાબક્યા હતા.
(સંપૂર્ણ સમાચાર સેવા)
વલસાડ જિલ્લાના પારડી નેશનલ હાઈવેના કિનારે આવેલી ગટરો રાહદારીઓ અને પશુઓ માટે જ જોખમી સાબિત થઈ રહી છે. આ જર્જરિત ગટરોમાં પશુઓ અને માણસો પડવાના અવારનવાર બનાવો બને છે. આગટરના ઢાંકણા પર ઉભા રહી એક વ્યક્તિ વાત કરી રહ્યાં હતાં ત્યારે જ ગટરનું ઢાંકણું તૂટી જતા તેઓ ઊંડી ગટરમાં ખાબક્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

પારડી ચાર રસ્તા નજીક હાઈવેની બાજુમાં આવેલ એક મોબાઈલ દુકાનના સંચાલક નિખિલભાઈ ગુલાની પોતાની દુકાન બહાર ગટર પર ઉભા રહી વાત કરી રહ્યા હતા, ત્યાં જ અચાનક ગટરનું જર્જરિત ઢાંકણું તૂટી પડ્યું હતું. જેથી તેઓ સીધા જ ગટરની ઊંડી ખાઈમાં પટકાયા હતા, જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે.
આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. આ ઘટના તંત્રની ઘોર બેદરકારીની સાક્ષી પૂરે છે. નોંધનીય છે કે, હાલમાં જ હાઈવે ઓથોરિટી દ્વારા ગટરની સફાઈ કામગીરી દરમિયાન જેસીબી ફેરવીને તંત્રએ બાકી બચેલા સુરક્ષિત ઢાંકણાઓ પણ તોડી નાખ્યા હતા. કેટલાક ઠેકાણે તો પહેલેથી જ ઢાંકણા ગાયબ હતા. આથી આવી ઘટનાઓ બની રહી છે. આથી હાઈવેના કિનારે આવેલ ગટરના જર્જરિત ઢાંકણા બદલી મજબૂતઢાંકણા નાખવા જરૂરી છે