Last Updated on by Sampurna Samachar
પ્રથમ તબક્કામાં કોઈ દસ્તાવેજની જરૂર નહીં પડે
બિહારની સફળતા બાદ ચૂંટણી પંચનો મોટો ર્નિણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના બીજા તબક્કાની મોટી જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે બિહારમાં ૭.૫ કરોડ મતદારોની ભાગીદારી સાથે SIR ના સફળ અમલ પછી, હવે દેશભરના ૧૨ પસંદગીના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માં આ સુધારણા પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

SIR નો મુખ્ય ઉદ્દેશ્ય પાત્ર મતદારોને ઉમેરવાનો અને અયોગ્ય કે ડુપ્લિકેટ નામોને યાદીમાંથી દૂર કરવાનો છે. આ અભિયાન માટે મતદાર યાદીઓ ફ્રીઝ કરવામાં આવશે અને BLO દરેક ઘરની ઓછામાં ઓછી ૩ વખત મુલાકાત લેશે, જેમાં પ્રથમ તબક્કામાં કોઈ દસ્તાવેજની જરૂર નહીં પડે.
પ્રક્રિયાને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો
દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે છઠના શુભ અવસરે બિહારના ૭.૫ કરોડ મતદારોનો આ પ્રક્રિયાને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. બિહારમાં SIR ના સફળ અનુભવની ચર્ચા તમામ ૩૬ રાજ્ય ચૂંટણી કમિશનરો સાથેની બેઠકોમાં કરવામાં આવી હતી, જેના આધારે હવે SIR નો બીજો તબક્કો દેશભરમાં વિસ્તૃત કરવામાં આવી રહ્યો છે.
આ પહેલનો હેતુ છેલ્લી વખત ૨૧ વર્ષ પહેલાં હાથ ધરાયેલા સઘન સુધારા પછી મતદાર યાદીમાં જરૂરી ફેરફારો લાવવાનો છે, કારણ કે ૧૯૫૧ થી ૨૦૦૪ દરમિયાન આઠ વખત સુધારા થયા હોવા છતાં રાજકીય પક્ષો દ્વારા ખામીઓની ફરિયાદો ઊઠી હતી.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જાહેરાત કરી કે SIR નો બીજો તબક્કો ૧૨ પસંદગીના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માં શરૂ થશે. આ ઝુંબેશ માટે, જે રાજ્યોમાં સુધારણાનું આયોજન છે, ત્યાંની મતદાર યાદીઓ રાત્રે ૧૨ વાગ્યે ફ્રીઝ કરવામાં આવશે. આ પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે, દરેક મતદાન મથક પર એક BLO અને દરેક વિધાનસભા મતવિસ્તાર માં એક BLO (ચૂંટણી નોંધણી અધિકારી) તૈનાત કરવામાં આવશે. બધા મતદારો માટે ગણતરી ફોર્મ છાપવામાં આવશે.
બીજા તબક્કામાં, ચૂંટણી પંચ ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR ચલાવી રહ્યું છે. આ ૧૨ રાજ્યોમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ, ગોવા, પુડુચેરી, છત્તીસગઢ, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.
BLO ની ૩ વખતની ગૃહ મુલાકાત: દસ્તાવેજ વિના નોંધણી
૩ વખતની મુલાકાત: દરેક BLO માહિતી એકત્રિત કરવા માટે દરેક ઘરની ઓછામાં ઓછી ૩ વખત મુલાકાત લેશે. આ મુલાકાતો દરમિયાન, BLO મતદારો સાથે મુલાકાત કરશે, યાદીમાં તેમના નામની પુષ્ટિ કરશે અને તેમને મતદાર સમાવેશ ફોર્મ પ્રદાન કરશે.
ઓનલાઈન વિકલ્પ: જે મતદારો તેમના મતવિસ્તારની બહાર રહે છે અથવા દિવસ દરમિયાન ઑફિસમાં હાજર હોય છે, તેઓ પણ આ ફોર્મ ઓનલાઈન ભરી શકશે.
દસ્તાવેજોની જરૂર નથી: પ્રથમ તબક્કામાં, મતદારોએ નવી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે કોઈ વધારાના દસ્તાવેજો કે ફોર્મ સબમિટ કરવાની જરૂર રહેશે નહીં.
મતદાર યાદી સુધારણાની ૩ તબક્કાની પ્રક્રિયા
પ્રથમ તબક્કો: ૨૦૦૩ ની યાદી સાથે જોડાણ: આ તબક્કામાં મતદારોના નામ ૨૦૦૩ ની મતદાર યાદી સાથે જોડવામાં આવશે. મતદારોએ ફક્ત એ જણાવવાની જરૂર પડશે કે તેમનું નામ ૨૦૦૩ ની યાદીમાં ક્યાં હતું, અથવા તેમના માતા-પિતાના નામ શામેલ હતા કે નહીં. બધા રાજ્યો માટે ૨૦૦૩ ની મતદાર યાદી ચૂંટણી પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.
બીજો તબક્કો: દસ્તાવેજો સાથે નોંધણી: જેમના નામ ૨૦૦૩ ની યાદી સાથે જોડી શકાયા નથી, તેમને બીજા તબક્કામાં ઉમેરવામાં આવશે. આ તબક્કા દરમિયાન, ચૂંટણી પંચ એવા લોકોને નોટિસ જારી કરશે, અને મતદારોએ આધાર કાર્ડ સહિત સંબંધિત દસ્તાવેજો પ્રદાન કરવા પડશે, અને ૨૦૦૩ માં તેમના માતાપિતા ક્યાં હતા તે પણ જાહેર કરવું પડશે.
ત્રીજો તબક્કો: કામચલાઉ યાદી: ત્યારબાદ એક કામચલાઉ યાદી બહાર પાડવામાં આવશે, જેના પર વાંધા કે સૂચનો મંગાવવામાં આવશે.
ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ મતદાન મથકમાં ૧,૦૦૦ થી વધુ મતદારો હોઈ શકે નહીં. પરિણામે, મતદારોની ભીડ ટાળવા માટે, ખાસ સઘન સુધારા પછી મતદાન મથકોની સંખ્યામાં પણ ફેરફાર કરવામાં આવશે, જે ચૂંટણી વ્યવસ્થાપનને વધુ સરળ બનાવશે.
BLO એટલે શું?
– ચૂંટણી પંચ દ્વારા આ મતદાર યાદીમાં સુધારો કરવાની એક પ્રક્રિયા છે, જેમાં મતદાર યાદીને અપડેટ કરવામાં આવે છે. ૧૮ વર્ષથી વધુ ઉંમરના નવા મતદાતાઓને યાદીમાં ઉમેરવામાં આવે છે.
– જે લોકોનું મૃત્યુ થયું હોય અથવા જેઓ સ્થળાંતર કરી ગયા હોય, તેમના નામ હટાવવામાં આવે છે.
– મતદાર યાદીમાં નામ, સરનામું અને અન્ય ભૂલોને સુધારીને ઠીક કરવામાં આવે છે.
– બૂથ લેવલ ઓફિસર ઘરે-ઘરે જઈને ફોર્મ ભરાવે છે. – રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટ આ કામમાં BLO ની મદદ કરે છે.