Last Updated on by Sampurna Samachar
ફિલિપાઇન્સમાં ખનન દરમિયાન મળી આવ્યું ૧૦ વર્ષ જૂનુ ત્રિશૂલ અને વજ્ર !
કલાકૃતિઓ હજારો વર્ષ જૂની હોઈ શકે છે અને પ્રાચીન ભારતીય સભ્યતા સાથે જોડાયેલી હોઈ શકે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય સંશોધક સૈયદ શમીમ હુસૈને દાવો કર્યો છે કે, ફિલિપાઈન્સમાં એક ખાણકામ અભિયાન દરમિયાન સનાતન ધર્મની આસ્થા સાથે જોડાયેલા પ્રતીકો ત્રિશૂળ અને વજ્ર મળી આવ્યા છે. તેમના મતે આ કલાકૃતિઓ હજારો વર્ષ જૂની હોઈ શકે છે અને પ્રાચીન ભારતીય સભ્યતા સાથે જોડાયેલી હોઈ શકે છે.

સંશોધકે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કરતા જણાવ્યું કે, ખોદકામમાં મળેલું ત્રિશૂળ અંદાજે ૧૦ હજાર વર્ષ જૂનું હોઈ શકે છે, જ્યારે વજ્ર અંદાજે ૩૦૦૦ વર્ષ જૂનું છે. તેમનું માનવું છે કે, આ વસ્તુઓ ભગવાન શિવ અને ઇન્દ્ર સાથે જોડાયેલા પ્રતીકાત્મક હથિયારો સાથે મેળ ખાય છે.
એશિયાના ઘણા દેશોમાં પ્રાચીન સમયમાં ભારતનો પ્રભાવ હતો
હુસૈને જણાવ્યું કે, આ કલાકૃતિઓ મે ૨૦૧૫માં ત્યારે મળી હતી જ્યારે તેઓ ફિલિપાઈન્સમાં તાંબા અને સોનાના ખાણકામમાં સામેલ હતા. તેઓ વર્ષ ૨૦૧૨થી તે દેશમાં કામ કરી રહ્યા હતા અને ખાણકામ સ્થળો પર સ્થાનિક રહેવાસીઓ સાથે સહયોગ કરી રહ્યા હતા.
ખાણકામ દરમિયાન તેમની સાથેના લોકોએ કેટલીક અસામાન્ય વસ્તુઓ મળી હોવાની જાણ કરી. જ્યારે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે, તેમને ધાતુની એવી બે કલાકૃતિઓ મળી જે ખાણકામ દરમિયાન મળેલી અન્ય વસ્તુઓ કરતા ઘણી અલગ હતી.ખોદકામમાં મળેલી એક વસ્તુ દેખાવમાં ત્રિશૂળ જેવી લાગતી હતી, જ્યારે બીજી વસ્તુનો આકાર હિન્દુ પૌરાણિક કથાઓમાં વર્ણવેલા વજ્ર સમાન હતો. હુસૈને બાદમાં નિષ્કર્ષ કાઢ્યો કે આ વસ્તુઓ પ્રાચીન ભારતીય પરંપરાઓના ધાર્મિક પ્રતીકો સાથે મેળ ખાય છે.
શોધ બાદ આ કલાકૃતિઓને તપાસ માટે વર્ષ ૨૦૧૬માં ભારત લાવવામાં આવી હતી. તેમણે ઘણા વર્ષો સુધી આ કલાકૃતિઓનો અભ્યાસ કર્યો અને પુરાતત્વવિદો તથા ધાર્મિક વિદ્વાનો સહિતના નિષ્ણાતોની સલાહ લેવામાં સમય વિતાવ્યો. તેમણે દાવો કર્યો કે, ત્રિશૂળ લગભગ ૧૦,૦૦૦ વર્ષ જૂનું હોઈ શકે છે, જ્યારે વજ્ર લગભગ ૩૦૦૦ વર્ષ જૂનું છે. હુસૈને માહિતી આપતા જણાવ્યું કે, આ કલાકૃતિઓ વિશે તેમણે નિષ્ણાતો સાથે ચર્ચા કરી અને તેને નોંધણી કરાવવા માટે ભારતમાં અધિકારીઓનો પણ સંપર્ક કર્યો.
અહેવાલો મુજબ, બાદમાં આ વસ્તુઓને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની ઓફિસમાં નોંધાવવામાં આવી હતી. સનાતન ધર્મમાં ત્રિશૂળનું પ્રતીક ભગવાન શિવના શસ્ત્ર સાથે જોડાયેલું છે. ત્રિશૂળની ત્રણ શાખાઓ સર્જન, સંરક્ષણ અને વિનાશ સહિતની વિવિધ દાર્શનિક વિભાવનાઓનું પ્રતીક છે.
બીજી તરફ, વજ્રનો સંબંધ ભગવાન ઇન્દ્રના શસ્ત્ર સાથે છે, જે વૈદિક દેવતા છે અને વીજળી, વરસાદ અને તોફાન સાથે જોડાયેલા છે. પ્રાચીન ગ્રંથોમાં વજ્રને એક શક્તિશાળી શસ્ત્ર તરીકે વર્ણવવામાં આવ્યું છે, જે શક્તિ અને દૈવી અધિકારનું પ્રતીક છે. પૌરાણિક કથાઓમાં તેમના મજબૂત જોડાણને કારણે, ભારતીય ઉપખંડની બહાર આવી કલાકૃતિઓની શોધે સમગ્ર એશિયામાં પ્રાચીન સાંસ્કૃતિક આદાનપ્રદાનનો અભ્યાસ કરનારાઓમાં ઉત્સુકતા જગાડી છે. એશિયાના ઘણા દેશોમાં પ્રાચીન સમયમાં ભારતનો પ્રભાવ હતો.
આ અસર લડાઈથી નહીં, પરંતુ વેપાર, લોકોની અવરજવર અને ધર્મના પ્રસારના કારણે હતી. આ જ કારણે ઇન્ડોનેશિયા, કંબોડિયા, થાઈલેન્ડ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે પણ ભારતીય સંકૃતિના નિશાન જોવા મળે છે, જેમાં સંસ્કૃત ભાષા, મંદિરના અવશેષો અને હિન્દુ-બૌદ્ધ દેવી-દેવતાઓની મૂર્તિઓ સામેલ છે. હવે જો ફિલિપાઈન્સમાં મળેલી વસ્તુઓ ખરેખર જૂની અને અસલી સાબિત થાય છે, તો તેનો અર્થ એ થશે કે ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયા વચ્ચેના સંબંધો અગાઉ કરતા વધુ ઊંડા હતા.