Last Updated on by Sampurna Samachar
સગીરાને લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ, વોન્ટેડ આરોપી અલ્પેશ ગોહિલ ઝડપાયો
આરોપી સગીરાને અલગ-અલગ સ્થળોએ લઈ ગયો હતો અને ત્યાં તેની મરજી વિરૂદ્ધ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું.
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના વરાછા વિસ્તારમાં સગીર વયની દીકરીના અપહરણ અને દુષ્કર્મની ઘટનામાં લાંબા સમયથી વોન્ટેડ આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે. વરાછા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં આરોપી અલ્પેશ મધુભાઈ ગોહિલને દબોચી લેવામાં આવ્યો છે.

આ સમગ્ર કેસની વિગત મુજબ, આરોપી અલ્પેશ ગોહિલે સગીરાને લગ્નની લાલચ આપી પોતાની જાળમાં ફસાવી હતી. ત્યારબાદ સગીરાને તેના વાલીના કબજામાંથી ફોસલાવીને અપહરણ કરી ગયો હતો. આરોપી સગીરાને અલગ-અલગ સ્થળોએ લઈ ગયો હતો અને ત્યાં તેની મરજી વિરૂદ્ધ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું.
કાયદાનું ભાન કરાવવાની તજવીજ હાથ ધરી
ભોગ બનનાર સગીરાના પરિવાર દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આરોપી વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતાની અપહરણની કલમો તેમજ પોક્સો ગુનો દાખલ કર્યો હતો. ગુનો નોંધાયા બાદ આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. વરાછા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીને શોધી કાઢ્યો છે અને હવે તેને કાયદાનું ભાન કરાવવાની તજવીજ હાથ ધરી છે.
સમાજમાં સગીરાઓ સાથે બનતી આવી ઘટનાઓને ડામવા માટે સુરત પોલીસ દ્વારા કડક કાર્યવાહીના આદેશો આપવામાં આવ્યા છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે, અને તેને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.