Last Updated on by Sampurna Samachar
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનુ નિવેદન
લોકતંત્રમાં સંસ્થાગત દેખરેખ અને કાનૂની હસ્તક્ષેપનું કેટલું મહત્ત્વ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સમાજમાં એવા લોકોની જરૂર છે, જે સરકાર વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરે. કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ વાત કહીને સૌને ચોંકાવી દીધા છે. જોકે તેની સાથે તેમણે પોતાની આ વાત પાછળનું કારણ પણ જણાવ્યું છે કે, તેમણે કહ્યું કે, તેનાથી રાજનીતિ અને શાસનમાં અનુશાસન આવશે.

પ્રકાશ દેશપાંડે સ્મૃતિ કુશલ સંઘટક પુરસ્કાર સમારંભમાં બોલતા ગડકરીએ કહ્યું કે ઘણી વાર જનતાની રાજનીતિના કારણે મંત્રી કંઈ કામ નથી કરી શકતા. પણ કોર્ટના આદેશ બાદ એ જ કામ થઈ જાય છે. તેમણે કહ્યું કે, સમાજમાં અમુક લોકો એવા હોવા જોઈએ, જે સરકાર વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરે. આ રાજનીતિમાં અનુશાસન લાવે છે.
સરકારના ર્નિણયોને કોર્ટમાં પડકાર આપ્યો
ગડકરીએ એવું પણ કહ્યું કે, ઘણી વાર કોર્ટના આદેશ એ બદલાવ લાવી દે છે, જે મંત્રી ઈચ્છતા હોવા છતાં પણ નથી લાવી શકતા, કેમ કે રાજકારણ મજબૂરીઓની વચ્ચે આવી જાય છે. તેમણે એ વાતના વખાણ કર્યા કે, કુશલ સંઘટક પુરસ્કાર મેળવનારા લોકો આવા જ સામાજિક કાર્યકર્તા છે. જેમણે સમય-સમય પર સરકારના ર્નિણયોને કોર્ટમાં પડકાર આપ્યો છે. ખાસ કરીને શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા મામલામાં.
ગડકરીએ જણાવ્યું કે, આ લોકોએ શિક્ષણ વ્યવસ્થામાં કેટલાય ખોટા ર્નિણયોને કોર્ટના માધ્યમથી પડકાર આપ્યો અને ઘણા કિસ્સામાં સરકારને પોતાના ર્નિણય પાછા લેવા માટે મજબૂર કર્યા. રાજનીતિક રીતે સત્તાધારી દળ હોવા છતાં, નીતિન ગડકરીનું આ નિવેદન એ દર્શાવે છે કે, લોકતંત્રમાં સંસ્થાગત દેખરેખ અને કાનૂની હસ્તક્ષેપનું કેટલું મહત્ત્વ છે. તેમણે એવો પણ ઈશારો કર્યો કે, સ્વસ્થ લોકતંત્ર માટે આ જરૂરી છે કે, સરકારના ર્નિણયો પર સવાલ ઉઠાવવામાં આવે અને જો જરૂરી હોય તો તેને કોર્ટમાં પડકાર આપવામાં આવે.