Last Updated on by Sampurna Samachar
થાઈલેન્ડના વડાંપ્રધાન પૈતોંગટાર્ન શિનવાત્રાની હાંકલપટ્ટી
કોર્ટે તપાસ એજન્સીને ૧૫ દિવસમાં રિપોર્ટ આપવા કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
થાઈલેન્ડની બંધારણી કોર્ટે એક શબ્દના કારણે વડાંપ્રધાન પૈતોંગટાર્ન શિનવાત્રાની હકાલપટ્ટી કરી દીધી છે. તેમના પર પોતાના દેશના લોકો વિરુદ્ધ ગંભીર ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો છે. કોર્ટે કહ્યું છે કે, જ્યાં સુધી કેસની તપાસ પૂર્ણ ન થાય, ત્યાં સુધી ૩૮ વર્ષીય શિનવાત્રા વડાપ્રધાન પદ નહીં સંભાળે.
કોર્ટે કહ્યું છે કે, વડાપ્રધાન શિનવાત્રાએ પોતાના દેશના લોકો વિરુદ્ધ ગંભીર ટિપ્પણી કરી હોવાથી તેમને એક જુલાઈથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શિનવાત્રાએ દુશ્મન દેશ કંબોડિયાના વડા સાથે ફોન પર વાતચીત કરતી વખતે થાઈલેન્ડના આર્મી વડા વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી.
શિનવાત્રા અને કંબોડિયાનો પરિવાર એકબીજાને જાણે છે
થાઈલેન્ડની કોર્ટે વડાંપ્રધાનના આચરણને અયોગ્ય ઠેરવ્યો છે. કોર્ટે કહ્યું કે, શિનવાત્રાએ જે રીતે પોતાના દેશના લોકો વિરુદ્ધ ટિપ્પણી કરી છે, તે આચરણ વિરુદ્ધની છે. કોર્ટે તપાસ એજન્સીને કહ્યું છે કે, તેઓ સંપૂર્ણ તપાસ કરીને ૧૫ દિવસમાં રિપોર્ટ જમા કરાવે, ત્યારબાદ આગળની કાર્યવાહી કરાશે.
વાસ્તવમાં થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદ વિવાદ ચાલી રહ્યો છે. મે મહિનામાં સરહદ વિવાદ થયો હતો, જેમાં એક કંબોડિયન સૈનિક સહિત કેટલાક લોકોના મોત થયા હતા. શિનવાત્રાએ બંને દેશોના તણાવ મુદ્દે કંબોડિયાના સીનેટના પ્રમુખ હુન સેન સાથે ફોન પર વાત કરી હતી. શિનવાત્રાએ તેમને અંકલ કરીને સંબોધ્યા હતા અને થાઈલેન્ડના સેના અધ્યક્ષને પોતાના દુશ્મન કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હાલ કંબોડિયાની સરહદ પર જનરલ તહેનાત છે, તે મારા દુશ્મન છે તેથી જ કંબોડિયા સાથે વિવાદ ચાલી રહ્યો છે.
વિવાદ સામે આવ્યા બાદ શિનવાત્રાએ માફી માંગી છે, જોકે મામલો કોર્ટમાં પહોંચ્યા બાદ તેમને વડાંપ્રધાન પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, હું કોર્ટના ર્નિણયનું પાલન કરીશ. હું તપાસ કે ન્યાયિક કાર્ડમાં અડચણો ઊભી કરવા માંગતી નથી. અગાઉ તેમના પિતા થાકસિન શિનવાત્રા પણ વડાપ્રધાન રહી ચુક્યા છે. થાઈલેન્ડના શિનવાત્રા અને કંબોડિયાના હુન સેનના પરિવાર દાયકાઓથી એકબીજાને જાણે છે અને સારા સંબંધો પણ ધરાવે છે