Last Updated on by Sampurna Samachar
લોકોમાં રોષ તો રસ્તાઓથી લઈને સંસદ સુધી હોબાળો
પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડરનું બંધ થવુ મોંઘવારીનુ કારણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
થોડા સમય પહેલાં જે પાકિસ્તાની મંત્રીઓ ભારતને પરમાણુ બોમ્બની ધમકીઓ આપતા હતા, આજે ત્યાં એક ટામેટાની કિંમત રૂ. ૭૫ થતાં દેશવાસીઓની આંખોમાં આંસુ આવી ગયા છે અને સંસદમાં નેતાઓ વિલાપ કરી રહ્યા છે.

અગાઉ, મંત્રી શેખ રશીદે ધમકી આપી હતી કે પાઉ-પાઉ ભરના બોમ્બ કોના માટે રાખ્યા છે, પરંતુ ઓપરેશન સિંદૂર બાદ ભારતે પાકિસ્તાની હથિયારો પર ભારે તબાહી મચાવતા પાકિસ્તાની સેના ઘૂંટણિયે પડી ગઈ હતી અને હવે દેશ મોંઘવારીના મારથી પીડાઈ રહ્યો છે.
પાકિસ્તાનમાં શાકભાજીના ભાવ રૅકોર્ડ લેવલ પર
ટામેટાંની કિંમતમાં એક જ મહિનામાં ૪૦૦ % નો ઉછાળો આવ્યો છે, જેના કારણે ભાવ રૂ.૬૦૦ પ્રતિ કિલો થઈ ગયો છે અને એક ટામેટું રૂ.૭૫માં મળે છે. આટલા મોટા ઉછાળાને કારણે પાકિસ્તાનના લોકોમાં ભારે ગુસ્સો છે અને રસ્તાઓથી લઈને સંસદ સુધી હોબાળો ચાલી રહ્યો છે.
પાકિસ્તાની સંસદમાં થયેલા હોબાળા વચ્ચે કેટલાક સાંસદોએ ટામેટાં ખરીદવા માટે લોનની માંગણી કરી છે. કેટલાક સાંસદોએ પાકિસ્તાનના તે દિવસોને યાદ કર્યા, જ્યારે સસ્તી કિંમતે ટામેટાં મળતા હતા. ટામેટાંની કિંમતને લઈને એક પાકિસ્તાની સાંસદનો વીડિયો પણ ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સાંસદ કહી રહ્યા છે કે, આ ટામેટું અહીં લાવવું ખૂબ મુશ્કેલ હતું. અમારા સહયોગી ફારુખ સાહેબનો આનો ઇન્તજામ કરવા બદલ આભાર. આ ટામેટાની કિંમત રૂ.૭૫ છે.
પાકિસ્તાનમાં મોંઘવારી આટલી બધી વધવા પાછળનું મોટું કારણ પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડરનું બંધ થવું છે. ૧૧ ઑક્ટોબરથી બંને દેશો વચ્ચે હવાઈ હુમલાઓ પછી બંને દેશો વચ્ચેનો વેપાર સંપૂર્ણપણે ઠપ થઈ ચૂક્યો છે. હાલમાં ઇસ્તંબુલમાં થયેલી શાંતિ વાટાઘાટો પણ નિષ્ફળ રહી છે, જેના કારણે ૨૬૦૦ કિલોમીટર લાંબી સરહદ હજી પણ સીલ છે અને વેપાર ખોરવાઈ ગયો છે.
એવો અંદાજ છે કે આ સરહદ બંધ થવાથી રોજનું આશરે $ ૧૦ લાખ ડૉલરનું નુકસાન થઈ રહ્યું છે. પહેલા ભારતથી આયાત બંધ થવાના કારણે પાકિસ્તાન ટામેટાં માટે અફઘાનિસ્તાન પર ર્નિભર હતું, પરંતુ હવે તે સપ્લાય પણ તૂટી ચૂકી છે. આ કારણોથી ટામેટાંના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સમગ્ર પાકિસ્તાનમાં શાકભાજીના ભાવ રૅકોર્ડ લેવલ પર છે. લસણ રૂ.૪૦૦ કિલો, આદુ રૂ.૭૫૦ કિલો, વટાણા રૂ.૫૦૦ કિલો અને ડુંગળી રૂ.૧૨૦ કિલો છે. અહીં સુધી કે લીલા ધાણા પણ હવે રૂ.૫૦ પ્રતિ નાની ઝૂડી વેચાઈ રહી છે.
 
				 
								