Last Updated on by Sampurna Samachar
ધાનેરામાં રમેલમાં ધૂણતા ભૂવાએ કહ્યું
રમેલનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
તાજેતરમાં સોના-ચાંદીના ભાવમાં વધારો – ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આ વચ્ચે બનાસકાંઠામાં માતાજીની રમેલમાં ધૂણતા ભૂવાએ સોનાના ભાવ ૩૦ હજારે પહોંચવાનો દાવો કર્યો છે. વિગતે વાત કરીએ તો, માતાજીની એક રમેલનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ભૂવાજી સોનાના આસમાને પહોંચેલા ભાવને લઈને અત્યંત ચોંકાવનારો દાવો કરતા જોવા મળી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વીડિયો ઉત્તર ગુજરાતમાં સ્થિત બનાસકાંઠાના ધાનેરા તાલુકાના કુંવારલા ગામનો હાવોનું મનાઈ રહ્યું છે. જ્યાં આયોજીત વડેચી માતાજીની ભવ્ય રમેલમાં એક ભૂવાજી ધૂણતા દાવો કર્યો છે કે,‘આગામી માત્ર સવા મહિલાના સમયમાં જ એક તોલા સોનું એટલે કે ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૩૦ હજાર પહોંચી જશે.‘
વાયરલ વીડિયો અંગે હજૂ સત્તાવાર કોઈ માહિતી નહીં
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, માતાજીની રમેલ યોજાઈ છે. જેમાં એક ભૂવાએ ધૂણતા ધૂણતા કહી રહ્યા છે કે, ‘હાલના સમયમાં સામાન્ય માણસ ખરીદી ન શકે તેવા સોનાના ભાવ પહોંચ્યા છે, ત્યારે ‘કદાચ આગામી સવા મહિનો થશે, ત્યાં સુધીમાં સોનાના ભાવ ૩૦ હજાર પહોંચી જશે.
આટલું જ નહીં, ભૂવાજીના આ નિવેદન બાદ ત્યાં હાજર લોકગાયકે પણ સૂર પુરાવ્યો હતો અને માહોલ ગજવી દીધો હતો. સિંગરે ભૂવા તરફ આંગળી કરીને ગીત ગાયું હતું કે, “ઈતિહાસ રચું તો હું હુર છું.” ગાયકે ભૂવાજીના શબ્દોને ટેકો આપતા વધુમાં ઉમેર્યું હતું કે, “તારા ઈતિહાસ રચનારા મળશે નહીં, બોલું છું એટલા દિવસોમાં ન કરી બતાવું તો હું તમારી માતા નહીં.”
હાલમાં સોનાના ભાવ સામાન્ય માણસની પહોંચની બહાર જઈ રહ્યા છે, ત્યારે ભૂવાજીના આ દાવાએ શ્રદ્ધાળુઓ અને સોશિયલ મીડિયા યુઝર્સમાં ભારે કુતૂહલ અને ચર્ચા જગાડી છે. બજારમાં હાલ સોનાનો ભાવ રેકોર્ડ સ્તરે હોવા છતાં, રમેલમાં આત્મવિશ્વાસભર્યા ભૂવાજીના આ નિવેદને હાજર સૌ કોઈને સ્તબ્ધ કરી દીધા છે.
નોંધનીય છે કે, ઐતિહાસિક સપાટીએ પહોંચેલા સોના-ચાંદીના ભાવ પર હાલ સૌ કોઈ નજર રાખીને બેઠું છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં ક્યારેક સોના-ચાંદીના ભાવમાં વધારો તો ક્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જે અનુસાર સોના-ચાંદીના ભાવમાં આજે ઉતારો જોવા મળ્યો છે.
‘ગુડરિટર્ન્સ‘ના ડેટા મુજબ, રૂ. ૫૦૨૦ના ઘટાડો સાથે ૨૪ કેરેટ સોનાના ભાવ રૂ. ૧,૫૪,૪૭૦ પ્રતિ તોલાએ પહોંચ્યો છે, જ્યારે રૂ. ૨૦,૦૦૦ના ઘટાડા સાથે એક કિલો ચાંદીનો ભાવ રૂ. ૩ લાખ નોંધાયો છે. જોકે વાયરલ વીડિયો અંગે હજૂ સત્તાવાર કોઈ માહિતી હાલ સુધી સામે આવી નથી. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને શ્રદ્ધા અને તર્ક એમ બંને રીતે જોઈ રહ્યા છે.