Last Updated on by Sampurna Samachar
TATA ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરને વિમાન દુર્ઘટના પર મૌન તોડ્યુ
અમે પિડીત પરિવારની આજે અને ભવિષ્યમાં પણ સાથે
(સંપૂર્ણ સમાચાર સેવા)
TATA સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા હૃદયદ્રાવક એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પર આખરે પોતાનું મૌન તોડ્યું છે. તેમણે આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “અમારું બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર સારી સ્થિતિમાં હતું, તેમાં કોઈ જાળવણી સમસ્યા નહોતી કે કોઈ પણ પ્રકારનો રેડ સિગ્નલ આપવામાં આવ્યો ન હતો.
એન. ચંદ્રશેખરને વધુમાં કહ્યું હતું કે, “ મેં જાતે બધા રેકોર્ડ તપાસ્યા – વિમાન, એન્જિન, પાઇલટ, બધું બરાબર હતું.” પરંતુ તેમણે એમ પણ કહ્યું હતું કે આ અકસ્માત એટલો પીડાદાયક છે કે તે સાંભળીને મારું હૃદય ડૂબી ગયું. તેમણે કહ્યું હતું કે TATA ગ્રુપ પીડિતો સાથે ખભા મિલાવીને ઉભું છે.
બોઇંગ અને GE ને જવાબ આપવા માટે કહેવાયું
૧૨ જૂનના રોજ, લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI -૧૭૧ ટેકઓફ થયાના થોડા સેકન્ડ પછી અમદાવાદમાં ક્રેશ થઈ ગઈ હતી. જેમાં ૨૭૦ થી વધુ લોકો માર્યા ગયા. જેમાં મુસાફરો, ક્રૂ મેમ્બર્સ અને વિમાન ક્રેશ થયું તે ઇમારતમાં રહેતા લોકોનો સમાવેશ થાય છે.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે સમગ્ર દેશ રડી પડ્યો. મીડિયા સાથે વાત કરતાં ચંદ્રશેખરને કહ્યું કે વિમાનમાં કોઈ સમસ્યા નહોતી. જમણું એન્જિન માર્ચ ૨૦૨૫ માં ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. ડાબું એન્જિન ૨૦૨૩ માં સર્વિસ કરવામાં આવ્યું હતું. બંને એન્જિનનો રેકોર્ડ સંપૂર્ણ હતો, કોઈ ચેતવણી કે ખામીનો કોઈ સંકેત નહોતો. બોઇંગ અને GE ને જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
ચંદ્રશેખરને બોઇંગ (જે વિમાન બનાવે છે) અને GE એરોસ્પેસ (જે એન્જિન બનાવે છે) ને સંપૂર્ણ તપાસ કરવા અને તેમના અન્ય કોઈપણ વિમાનમાં કોઈ ખામી છે કે કેમ તે જણાવવા કહ્યું છે. તેમણે કહ્યું, “અમે તેમને સ્પષ્ટપણે જણાવવા કહ્યું છે, જો કોઈ જોખમ હોય, તો અમે તેમને તે પણ આગળ લાવવા કહ્યું છે.” ભાવનાપૂર્ણ ચંદ્રશેખરને કહ્યું કે આ ઘટના તેમના માટે પણ આઘાતજનક છે. તેમણે કહ્યું, “ટાટાની એરલાઇનમાં આવું બન્યું તે ખૂબ જ દુ:ખદ છે. અમારું હૃદય પીડિત પરિવારો માટે રડી રહ્યું છે. અમે તેમને અત્યારે અને ભવિષ્યમાં પણ શક્ય તેટલી મદદ કરીશું.”