Last Updated on by Sampurna Samachar
નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે આપી જાણકારી
ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ AIB પાસે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુનિયામાં જ્યારે કોઈ મોટો અકસ્માત થાય છે તો લોકોમાં આ અકસ્માતનું અસલી કારણ જાણવાની ઈચ્છા હોય છે. આ સાથે જ સરકાર અને સિસ્ટમને પણ તપાસને પૂર્ણ કરવાની ઉતાવળ હોય છે. ઘણીવાર આ તપાસ અનેક દિવસો સુધી ચાલે છે, જેમાં અકસ્માતને લઈને તમામ પ્રકારની સંભાવનાઓ પર તપાસ કરવામાં આવે છે.
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાને ૧૭ દિવસ વીતી ગયા છે અને હજુ સુધી આ અકસ્માતમાંથી મળી આવેલા બ્લેક બોક્સની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી તેનો કોઈ રિપોર્ટ સામે નથી આવ્યો. હવે આ અકસ્માતને લઈને અલગ-અલગ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે. નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું કે, તપાસ એજન્સી આ અકસ્માતને લઈને ષડયંત્રના એન્ગલથી પણ તપાસ કરી રહી છે.
અકસ્માત બંને એન્જિન ફેઇલ થવાના કારણે થયો
મુરલીધર મોહોલે જણાવ્યું કે, એર ઈન્ડિયાનું ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ AIB પાસે છે, તેની તપાસ માટે તેને વિદેશ નથી મોકલવામાં આવ્યું. AIB આ અકસ્માતના અલગ-અલગ એન્ગલની તપાસ કરી રહી છે કે ક્યાંક આ અકસ્માત જાણી જોઈને કરવામાં આવેલી ગડબડ તો નથી ને ?
હાલ, તપાસ એજન્સી CCTV કેમેરાની ફૂટેજ ચેક કરી રહી છે કે, ક્યાંક પ્લેન ટેક ઑફ કરે તે પહેલાં તો કંઈ તોડફોડ કરવામાં નથી આવી ને ? આ અકસ્માતને લઈને અનેક એજન્સીઓ એકસાથે તપાસ કરી રહી છે. નોંધનીય છે કે, ગુજરાતના અમદાવાદમાં ૧૨ જૂને એક ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં વિમાનમાં સવાર ૨૪૧ અને મેડિકલ કોલેજની બિલ્ડિંગની અંદર તેમજ આસપાસ હાજર આશરે ૩૩ લોકોનું મોત નિપજ્યું હતું.
આ અકસ્માતમાં વિમાનમાં સવાર એક શખસનો જીવ બચી ગયો હતો. અકસ્માત બાદથી સતત તપાસ શરૂ છે. જોકે, હજુ સુધી અકસ્માતને લઈને કોઈપણ રિપોર્ટ સામે નથી આવ્યો. હવે મંત્રીએ જણાવ્યું કે, અકસ્માતને લઈને તમામ એન્ગલની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં અકસ્માત પહેલાંના CCTV થી લઈને જાણી જોઈને કરવામાં આવેલી ગડબડી સુધીના તમામ એન્ગલની તપાસ થશે. જોકે, નિષ્ણાતો આ મુદ્દે પોતાનું મંતવ્ય આપી ચુક્યા છે અને તેમનું માનવું છે કે, આ અકસ્માત બંને એન્જિન ફેઇલ થવાના કારણે થયો હતો.