Last Updated on by Sampurna Samachar
એર ઇન્ડિયાના પ્લેનના એન્જિનમાં લાગી આગ
ઇન્દોરના મુસાફરોને બીજી ફ્લાઈટ દ્વારા ઇન્દોર મોકલાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીથી ઇન્દોર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જીનમાં આગ લાગવાની ઘટના બની હતી, જે બાદ ફ્લાઈટને પરત દિલ્હી લાવવામાં આવી અને ઇન્દોરના મુસાફરોને બીજી ફ્લાઈટ દ્વારા ઇન્દોર મોકલવામાં આવ્યા હોવાનુ એર ઈન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું છે.

દિલ્હીથી ઇન્દોર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI ૨૯૧૩ ને ટેકઓફ કર્યા પછી તરત જ દિલ્હી પરત ફરવું પડ્યું. વિમાનના જમણા એન્જિનમાં આગ લાગવાના સંકેત મળ્યા, ત્યારબાદ માનક પ્રક્રિયા મુજબ એન્જિન બંધ કરી દેવામાં આવ્યું અને વિમાનને તાત્કાલિક દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું છે.
મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો
આ અંગે માહિતી આપતા, એર ઇન્ડિયાએ જણાવ્યું કે તપાસ માટે વિમાનને રોકવામાં આવ્યું છે અને મુસાફરોને બીજા વિમાનમાં ખસેડવામાં આવી રહ્યા છે, જે ટૂંક સમયમાં ઇન્દોર જશે. ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયા એરલાઇન્સે વધુ માહિતી આપી કહ્યું કે, ૩૧ ઓગસ્ટના રોજ દિલ્હીથી ઇન્દોર જતી AI ૨૯૧૩, ટેકઓફ થયા પછી તરત જ દિલ્હી પરત ફર્યું કારણ કે કોકપીટ ક્રૂને જમણા એન્જિનમાં આગ લાગવાના સંકેત મળ્યા.
એલાર્મ વાગતાં જ અને કોકપીટમાં આગ લાગવાના સંકેત મળતાં જ વિમાનમાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો. પરંતુ પાયલોટે તાત્કાલિક જરૂરી સાવચેતી રાખી અને એન્જિન બંધ કરીને વિમાનને હવામાં નિયંત્રણમાં રાખ્યું, ત્યારબાદ પાયલોટે દિલ્હી એરપોર્ટ પર વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું. થોડીવારમાં જ બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.
એર ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં સતત ટેકનિકલ ખામીઓના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં ૧૮ ઓગસ્ટના રોજ, કોચી એરપોર્ટથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને ટેકઓફ કરતા પહેલા અચાનક રોકવી પડી હતી. અગાઉ ૧૬ ઓગસ્ટના રોજ, મિલાન (ઇટાલી) થી દિલ્હી આવતી ફ્લાઇટને એર ઇન્ડિયા દ્વારા છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી.
બંને ઘટનાઓ પાછળ ટેકનિકલ ખામીઓને કારણભૂત ગણાવવામાં આવી હતી. એરલાઇનની ફ્લાઇટ્સમાં સતત આવી સમસ્યાઓને કારણે મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.