Last Updated on by Sampurna Samachar
અત્યાર સુધીમાં ૯0 લોકોના મોતની પુષ્ટિ થઈ
આગે સાત ટાવરોને સંપૂર્ણ રીતે પોતાની ઝપેટમાં લીધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
હોંગકોંગના તાઈ પો વિસ્તારમાં આવેલા વાંગ ફૂક કોર્ટ રહેણાંક કોમ્પલેક્સમાં છેલ્લા ૩ દિવસથી ભભૂકી રહેલી ભીષણ આગે શહેરને આઘાતમાં નાખી દીધુ છે. મલ્ટી સ્ટોરી બિલ્ડિંગોવાળા આ જૂના રહેણાંક વિસ્તારમાં ભોગ બનેલામાં મોટાભાગે વૃદ્ધો અને પરિવાર હતા. આગે સાત ટાવરોને સંપૂર્ણ રીતે પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. આ આગ પર ૯૦ ટકા સુધી કાબૂ મેળવી લેવાયો હતો પરંતુ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.

ફાયર સર્વિસીઝ વિભાગના જણાવ્યાં મુજબ સવારે ૯ વાગ્યા સુધીમાં સર્ચ ઓપરેશન પૂરું થાય તેવી આશા છે. અત્યાર સુધીમાં ૯૪ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે ૭૬ લોકો ઘાયલ છે. જેમાં ૧૫ની હાલત ખુબ ગંભીર છે. ૩૦૦ થી વધુ લોકો હજુ પણ ગૂમ છે.
HSBC સહિત અનેક બેંક પીડિતોને નાણાકીય મદદ
હોંગકોંગના ઈતિહાસમાં છેલ્લા ૮૦ વર્ષમાં આ સૌથી ઘાતક આગની ઘટના છે. ૧૯૪૮ બાદ એક જ દુર્ઘટનામાં આટલા વધુ લોકોના જીવ ગયા નથી. રેસ્ક્યૂ અભિયાનમાં લાગેલી ટીમોએ અત્યાર સુધીમાં ૯ બિલાડીઓ અને એક કૂતરાને પણ સુરક્ષિત બહાર કાઢ્યા છે. ફાયરકર્મીઓ પોતાના જીવ જાેખમમાં નાખીને ઉપરના ફ્લોર્સ સુધી પહોંચ્યા. પરંતુ આ દરમિયાન એક ફાયર ફાઈટરે જીવ ગુમાવ્યો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રિનોવેશન કાર્ય દરમિયાન મજૂરો દ્વારા વાંસના સ્કૈફોલ્ટિંડ પર સિગરેટ પીવું એ આગનું મુખ્ય કારણ હોઈ શકે છે. પરિસરમાં ઉપયોગમાં લેવાયેલી જ્વલનશીલ ફોમ સીલેન્ટ, પ્લાસ્ટિક નેટિંગ અને વાંસના માળખાએ આગને ભયાનક સ્વરૂપ આપ્યું. ભારે પવને તેને એક ટાવરથી સાત ટાવર સુધી ફેલાવી દીધી.
૩૩૦ મિલિયન હોંગકોંગ ડોલરનો રિનોવેશન કોન્ટ્રાક્ટ પ્રેસ્ટીજ કન્સ્ટ્રક્શન કંપનીને મળ્યો હતો. જેનો સુરક્ષા ઉલ્લંખનોનો જૂનો રેકોર્ડ રહ્યો છે. રહીશોનો આરોપ છે કે તેઓ મહિનાઓથી મજૂરોની બેદરકારી વિશે ફરિયાદ કરતા હતા. પોલીસે કંપનીના બે ડાયરેક્ટર અને એક કન્સલ્ટન્ટની ગેરઈરાદાપૂર્વક હત્યાની શંકાને આધારે ધરપકડ કરી છે.
૧૯૮૦ના દાયકામાં બનેલી આ ઈમારતોમાં ન તો સ્પ્રિંકલર સિસ્ટમ હતી કે ન સ્મોક ડિટેક્ટર કે ન તો ફાયર રેસિસ્ટેન્ટ ગ્લાસ બારીઓ. હોંગકોંગમાં જગ્યાની કમીના કારણે ઈમારતો એક બીજાની નજીક હોય છે જેના કારણે આગ ઝડપથી ફેલાઈ. ૩૨ માળના ટાવરોમાં ફાયરની સિડીઓ ફક્ત ૧૮મા માળ સુધી જ પહોંચી શકી. ૧૨૦૦થી વધુ ફાયરકર્મીઓ અને ૩૦૪ વાહનોએ દિવસ રાત સંઘર્ષ કર્યો. પરંતુ ભીષણ ગરમીના કારણે હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ વર્ક શક્ય બની શક્યું નહીં.
ચીફ એક્ઝીક્યુટિવ જ્હોન લીએ ૩૦૦ મિલિયન હોંગકોંગ ડોલર (લગભગ ૩૮ મિલિયન અમેરિકી ડોલર)ની વિશેષ મદદની જાહેરાત કરી છે. સ્વતંત્ર ભ્રષ્ટાચાર નિરોધક બ્યૂરોએ કોન્ટ્રાક્ટ, નિગરાણી અને સંભવિત ભ્રષ્ટાચારની તપાસ માટે વિશેષ ટાસ્ક ફોર્સ બનાવી છે. શહેરની તમામ રિનોવેશન સાઈટ્સ પર તત્કાળ સુરક્ષા નિરીક્ષણના આદેશ અપાયા છે. HSBC સહિત અનેક બેંક પીડિતોને નાણાકીય મદદ આપી રહ્યા છે.