Last Updated on by Sampurna Samachar
કુલ વસતીમાંથી ૧૫ કરોડ લોકો ૬૦ વર્ષ કે તેનાથી વધારે ઉંમરના છે
સરેરાશ આયુષ્ય જે ૪૧.૨ વર્ષ હતું તે હવે ૭૨ વર્ષ સુધી પહોંચ્યુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત ભલે હાલમાં યુવાનોનો દેશ ગણાતો પણ ટૂંક સમયમાં જ ભારત કેટલાક જાણીતા દેશોની જેમ ઘરડાઓ અને વૃદ્ધોના દેશ તરીકે પણ જાણીતો થવાનો છે. માત્ર બે દાયકા બાદ ભારતમાં વૃદ્ધોની વસતી મોટા પ્રમાણમાં જોવા મળશે. તાજેતરમાં આવેલા એક અહેવાલમાં જણાવાયું છે કે, ભારતમાં હાલમાં કુલ વસતીમાંથી ૧૫ કરોડ લોકો ૬૦ વર્ષ કે તેનાથી વધારે ઉંમરના છે. આગામી સમયમાં આ આંકડો વધતો જશે.
વર્ષ ૨૦૫૦ માં ભારતની વસતીમાંથી ૨૧ ટકા લોકો એટલે કે અંદાજે ૩૫ કરોડ લોકો વૃદ્ધો હશે. ભારતમાં પ્રજનન દર ઓછો થઈ રહ્યો છે અને વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. દેશમાં વધતી વૃદ્ધોની સંખ્યા ભારતના વિકાસ અને અર્થતંત્ર ઉપર મોટાપાયે નકારાત્મક અસર ઊભી કરે છે. સૂત્રોના મતે આ જે સ્થિતિ ઊભી થઈ છે તે ભારતને વિકસિત દેશ બનવાની દિશામાં અવરોધ ઊભો કરી શકે છે.
ભારતમાં પ્રજનન દર ઓછો થઈ રહ્યો છે
ઉલ્લેખનીય છે કે, ભારત (BHARAT) નો તાજેતરમાં જ પ્રજાસત્તાક દિવસ ઉજવાયો છે. ૭૫ વર્ષના આ સમયચક્રમાં ખૂબ જ મોટા ફેરફાર આવ્યા છે. તે સમયે દેશની જે વસતી હતી તેના કરતાં અત્યારે તોતિંગ વસતી થઈ ગઈ છે. આ ઉપરાંત એ વખતે ભારતમાં લાઇફ એક્સપેક્ટન્સી એટલે કે સરેરાશ આયુષ્ય જે ૪૧.૨ વર્ષ હતું તે હવે ૭૨ વર્ષ સુધી પહોંચી ગયું છે. આ આંકડો કોઈપણ સામાન્ય અને સ્વસ્થ વ્યક્તિના સરેરાશ આયુષ્યના આંકડાને દર્શાવે છે.
ભારત જેવા અધધ વસતી ધરાવતા દેશ માટે આમ તો આ આંકડો એક સિદ્ધિ સમાન છે. ૧.૪૦ અબજ લોકોની વસતી ધરાવતા દેશમાં સરેરાશ આયુષ્ય વૈશ્વિક સરેરાશ કરતાં માત્ર ૧ જ વર્ષ ઓછું હોય તે મોટી બાબત છે. હાલમાં ભારતની વસતીમાંથી અડધી વસતી ૨૯ વર્ષ કે તેનાથી ઓછી ઉંમરની છે. એટલે કે અંદાજ ૭૦ કરોડ લોકો યુવાન છે તેમ કહી શકાય. આ મોટી સંખ્યા જ ભારતના આર્થિક વિકાસને વેગ આપી રહી છે. એક અહેવાલ પ્રમાણે છેલ્લાં અઢી દાયકામાં પ્રત્યેક વ્યક્તિ દીઠ જીડીપીની વૃદ્ધિ વાર્ષિક ૦.૭ ટકાના સરેરાશથી થઈ છે. તેમાં હવે પરિવર્તન આવ્યું છે. ભારતમાં પહેલા વખત વૃદ્ધોની સંખ્યા વધતી જાેવા મળી રહી છે. હાલમાં ભારતમાં ૧૫ કરોડ વૃદ્ધો છે જે અઢી દાયકા બાદ ૩૫ કરોડની આસપાસ પહોંચી જશે. વૃદ્ધોની સંખ્યા અમેરિકાની હાલની વસતી કરતાં પણ વધારે હશે. તેના કારણે જ ભારતીય અર્થતંત્રની રફતાર ઘટવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
જાણકારોના મતે દેશની વસતીની સીધી અસર લોકોના લાભ અને તેમના યોગદાન ઉપર થાય છે. હાલમાં દેશમાં જે રીતે વસતી વધી રહી છે તથા વૃદ્ધોની સંખ્યા વધી રહી છે તે પ્રમાણે આગામી ક્વાર્ટરમાં જનભાગીદારી ઓછી થઈ જવાની છે. તેનાથી જીડીપીના વિકાસમાં માત્ર ૦.૨ ટકા જ લાભ થવાનો છે.
આર્થિક જાણકારોના મતે હાલમાં ભારતમાં એક જ પેઢી વધી છે જે દેશને સમૃદ્ધ બનાવવા તરફ આગળ લઈ જઈ શકે છે. ત્યારબાદ દેશની વસતી એ સ્થિતિમાં આવશે કે જીડીપીની જનભાગીદારી ખૂબ જ ઓછી થઈ જશે. તેનું એક પરિણામ એવું પણ આવશે કે ભારત વિકસિત દેશ થતાં પહેલાં જ વૃદ્ધોનો દેશ થઈ જશે. ભારત વિકસિત દેશ થવાના લક્ષ્યથી ઘણો દૂર થઈ જશે.
દેશમાં નિવૃત્ત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભારતનો પ્રજનન દર પણ ઘટી રહ્યો છે. આ દર ઘટીને ૨.૦ થવાની આરે છે. હાલમાં અંદાજે ૧ વૃદ્ધ વ્યક્તિએ ૧૦ યુવાન લોકો છે પણ આગામી સમયમાં તેમાં ઘટાડો થશે. આ આંકડો ઘટીને સાત કે આઠ આવી જશે. આગામી અઢી દાયકામાં યુરોપની જેમ જ ભારતમાં વૃદ્ધોની વસતી એકાએક વધી જવાની શક્યતા છે.