Last Updated on by Sampurna Samachar
રાત્રે આંખોને અંજી નાખતી તેજ લાઈટોથી અકસ્માતમાં વધારો
તંત્ર અસમર્થ બનીને હાથ પર હાથ ધરીને બેઠું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં વાહનોમાં ગેરકાયદે રીતે વપરાતી સફેદ નીઑન/ LED લાઈટોના વધતા પ્રચલનને અટકાવવા માટે સરકાર દ્વારા જાહેર કરાયેલો પરિપત્ર હકીકતમાં અસરકારક બનતો દેખાતો નથી. હાલની સ્થિતિ એવી બની છે કે આ પરિપત્ર માત્ર ફાઈલો અને કાગળોમાં સીમિત રહી ગયો હોય તેમ લાગે છે. નિયમો ઘડાયા હોવા છતાં તેનો કડક અમલ થતો નથી, જેના કારણે રસ્તાઓ પર આ તીવ્ર લાઈટોનો ઉપદ્રવ સતત વધતો જઈ રહ્યો છે.

પૂર્વ આરટીઓ અધિકારીએ કરેલા ચોંકાવનારા ખુલાસામાં જણાવ્યું છે કે આરટીઓ તંત્ર પાસે આ લાઈટોની તીવ્રતા માપવા માટે જરૂરી લક્સ મીટર કે અન્ય આધુનિક ટેકનિકલ સાધનો ઉપલબ્ધ જ નથી. યોગ્ય માપન સાધનોના અભાવે તંત્ર પાસે નિયમભંગની ચોક્કસ ઓળખ કરવાની ક્ષમતા રહેતી નથી. પરિણામે, કાયદાની અમલવારી માત્ર ઈચ્છા સુધી સીમિત રહી જાય છે અને વ્યવહારિક સ્તરે કોઈ મજબૂત કાર્યવાહી થઈ શકતી નથી.
પરિસ્થિતિ ‘દીવા તળે અંધારું’ જેવી બની ગઈ
આ પરિસ્થિતિ ‘દીવા તળે અંધારું’ જેવી બની ગઈ છે, જ્યાં નિયમો તો છે પરંતુ તેનો અમલ કરાવવા માટેની પાયાની સુવિધાઓનો જ અભાવ છે. આરટીઓ સામે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે જો લાઈટની તીવ્રતા માપવાના સાધનો જ ન હોય, તો વાહનચાલકો સામે કાયદેસર કાર્યવાહી કેવી રીતે કરવી? પૂર્વ અધિકારીએ સ્પષ્ટ કર્યું કે માત્ર નરી આંખે જોઈને લાઈટ કેટલી તીવ્ર છે તે નક્કી કરવું કાયદાકીય રીતે ટકાઉ નથી અને અદાલતમાં તે પડકારાઈ શકે છે.
આ સ્થિતિના કારણે રસ્તાઓ પર રાત્રિના સમયે અન્ય વાહનચાલકોની આંખોને અંજી નાખતી તેજ લાઈટોથી અકસ્માતનો ગંભીર ભય ઊભો થઈ રહ્યો છે. છતાં પણ તંત્ર અસમર્થ બનીને હાથ પર હાથ ધરીને બેઠું છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આ કાગળ પરના પરિપત્રને વાસ્તવિક અમલમાં ફેરવવો હોય, તો તરત જ જરૂરી ટેકનિકલ સાધનો અને માપન ઉપકરણો ઉપલબ્ધ કરાવવાની તાતી જરૂર છે, નહીં તો નિયમો માત્ર નામ પૂરતા જ રહી જશે.