Last Updated on by Sampurna Samachar
ટ્રમ્પે ન્યૂયોર્ક ટાઇમ્સ અખબાર વિરુદ્ધ કર્યો માનહાનિનો દાવો
સૌથી ખતરનાક અખબાર કહ્યુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક ટાઇમ્સ અખબાર અને તેના ચાર પત્રકારો વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. અખબારે ધનિક ફાયનાન્સર જેફરી એપસ્ટીન સાથે ટ્રમ્પના સંબંધો મુદ્દે રિપોર્ટ પ્રકાશિત કરતાં માનહાનિનો દાવો કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ટ્રમ્પે પોતે આ અંગે જાણકારી આપી હતી.
ટ્રમ્પે કોર્ટ સમક્ષ પુરાવા રજૂ કરતાં ન્યૂયોર્ક ટાઇમ્સ અને તેના ચાર પત્રકારો વિરુદ્ધ ૧૫ અબજ ડૉલરનો માનહાનિનો દાવો કરતાં કેસ દાખલ કર્યો છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, આ અખબાર સૌથી ખતરનાક છે. અખબારે બેદરકારીપૂર્વક ખોટી રીતે નિવેદનો પ્રકાશિત કર્યા છે. તેમણે સત્ય જાણ્યા વિના જ નિવેદનોને ખોટી રીતે રજૂ કર્યા છે. ઉલ્લેખનીય છે, ન્યૂયોર્ક ટાઇમ્સે આ મામલે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
કથિત બર્થડે મેસેજ કરવાનો ઇન્કાર કર્યો
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર પોસ્ટ કરી ન્યૂયોર્ક ટાઇમ્સ પર જૂઠું બોલવા અને તેમને બદનામ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે ન્યૂયોર્ક ટાઇમ્સ પર રેડિકલ લેફ્ટ ડેમોક્રેટ પાર્ટીનું એક આભાસી મુખપત્ર બન્યું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. ટ્રમ્પે અન્ય મીડિયા સંસ્થાઓ પર પણ પ્રહાર કર્યા હતાં. જેમાં જુલાઈમાં ધ વોલ સ્ટ્રીટ જર્નલ અને મીડિયા કારોબારી રુપર્ટ મર્ડોક વિરુદ્ધ ૧૦ અબજ ડૉલરનો માનહાનિનો દાવો નોંધ્યો હતો.
ટ્રમ્પે આગળ કહ્યું કે, વિવિધ મીડિયા સંસ્થા અવારનવાર મને ટાર્ગેટ બનાવી રહ્યા છે. ધ ટાઇમ્સ તમારા લોકપ્રિય પ્રમુખ (મારા), મારા પરિવાર, બિઝનેસ, અમેરિકા ફર્સ્ટ મુવમેન્ટ, એમએજીએ અને આખા દેશ વિશે જૂઠાણું ફેલાવવા દાયકાઓ જૂની રીત અપનાવી રહ્યું છે. હું અખબારને જવાબદાર ઠેરવી રહ્યો છું. જે રીતે આ મીડિયાએ અન્ય મીડિયા સંસ્થાઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. તેનું સમાધાન રૅકોર્ડ રકમમાં થયુ હતું.
આ જાહેરાત ટ્રમ્પે અખબાર પર યૌન રુપે અશ્લીલ નોટ અને એપસ્ટીનથી કથિત રુપે જોડાયેલા એક ચિત્રના રિપોર્ટિંગ બદલ કેસ કરવાની ધમકી આપ્યાના એક અઠવાડિયા બાદ થઈ છે. ટ્રમ્પે હાલમાં જ હાઉસ ડેમોક્રેટ્સ દ્વારા જાહેર એપસ્ટીનમાં લખેલા કથિત બર્થડે મેસેજ કરવાનો ઇન્કાર કર્યો છે. પત્રકારો સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું હતું કે, આ મારી સિગ્નેચર નથી, આ મારી બોલચાલની ભાષા નથી. જે લોકો મને લાંબા સમયથી કવર કરી રહ્યા છે, તે જાણે છે કે, આ મારી ભાષા નથી.