Last Updated on by Sampurna Samachar
UP માં લગ્ન કરવા યુવકે ૮૦ હજાર રૂપિયા ચુકવ્યા
પોતાની દુલ્હનને ડ્રોનની મદદથી શોધી રહ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દરેક છોકરા-છોકરી પોતાના લગ્નના સપના સેવતા હોય છે. લગ્નને લઈને ખાસ પ્લાનિંગ થતાં હોય છે અને ભવિષ્યને લઈને પોતાના સપના જોતા હોય છે. જ્યાં લાંબા ગાળા બાદ લગ્ન ન થાય તો યુવકો પૈસા આપી લગ્ન કરતાં હોય છે. પરંતુ અમુક કિસ્સાઓમાં તેમની સાથે દગો થઇ જાય છે.

આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના હમીરપુરમાં રહેતા આ શખ્સ સાથે થયો છે. જ્યારે તેણે જોયું કે તેના લગ્ન નથી થતાં તો તેણે રૂપિયા ખર્ચવાનો ર્નિણય લીધો. તેણે ૮૦,૦૦૦ રૂપિયા આપીને લગ્ન કર્યા અને રાજીખુશી પોતાની દુલ્હનને ઘરે લઈ આવ્યો. પણ આ ખુશીઓ લાંબો સમય સુધી ટકી નહીં. રાતના સમયે દુલ્હન કુંડી લગાવીને ભાગી ગઈ. જ્યારે સવારે વરરાજો ઉઠ્યો તો ઘરની હાલત જોઈ ચીસો પાડવા લાગ્યો. હવે તે પોતાની દુલ્હનને ડ્રોનની મદદથી શોધી રહ્યો છે.
દુલ્હન જતી હોવાનો વીડિયો CCTV માં કેદ
આ મામલો રાઠ કોતવાલી વિસ્તારના બિલગાંવનો છે. અહીં રહેતા રાહુલ સૈની પોતાના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહી હતો. તેણે સુહાગરાતથી લઈને હનીમૂનના સપના પણ જોઈ લીધા હતા. અમુક લોકોને તેણે ૮૦ હજાર રૂપિયા આપીને કાનપુરની રહેવાસી એક મહિલા સાથે લગ્ન કરી લીધા. બધા ખુશ હતા. રાજીખુશીથી દુલ્હન ઘરે પણ આવી ગઈ. લગ્નના બીજા દિવસે જમણવાર રાખ્યો હતો. પરિવારના લોકો તેની તૈયારીમાં હતા. તેમણે ધ્યાન ન આપ્યું કે દુલ્હનના દિમાગમાં શું ચાલી રહ્યું છે. રાત થતાં જ દુલ્હને બહારથી કુંડી લગાવી દીધી અને ભાગી ગઈ. સવારે જ્યારે પરિવાર ઉઠ્યો તો બધાના હોશ ઉડી ગયા.
સવારે જ્યારે નવી દુલ્હનને શોધવા ગયા, તો ક્યાંય તેનો પત્તો લાગ્યો નહીં. પરિવારને ઘરમાં જાેયું તો તેમના દાગીના અને રોકડ રકમ ગાયબ હતી. હવે રાહુલના પિતા દયારામ સૈનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.
આ બાજુ ઘટનાની જાણ થતાં ગામ લોકોના ટોળા ભેગા થયા હતા અને ભાગેલી દુલ્હનને શોધવા લાગ્યા. વરરાજો રાહુલ ડ્રોન કેમેરાથી ગામડાના ખેતરમાં શોધી રહ્યો હતો, ત્યારે દુલ્હનના કપડાં ખેતરમાંથી મળ્યા. પણ દુલ્હનનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. જોકે રાતમાં દુલ્હન જતી હોવાનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે.