Last Updated on by Sampurna Samachar
ધોનીએ ‘કેપ્ટન કૂલ’ના નામથી ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન કરાવ્યું
ધોનીની કોમર્શિયલ ઓળખ બની ગયું કેપ્ટન કૂલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
હવે કોઈપણ કંપની કે વ્યક્તિ ‘કેપ્ટન કૂલ’ના નામનો ઉપયોગ નહીં કરી શકે, કારણ કે ‘કેપ્ટન કૂલ’ના નામથી જાણીતા ભારતના પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ‘કેપ્ટન કૂલ’ના નામથી ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
ધોનીએ રમત-ગમતની તાલીમ, તાલીમ માટેની સુવિધાઓ અને સ્પોર્ટ્સ કોચિંગ સેવાઓ માટે ક્લાસ-૪૧ હેઠળ ટ્રેડમાર્ક રજીસ્ટર્ડ કરાવ્યું છે, જેને કાયદાકીય રીતે મંજૂરી પણ મળી ગઈ છે. આ ટ્રેડમાર્ક તેમના નામને કાયદાકીય સુરક્ષા આપવાની સાથે તેમના બ્રાન્ડ વેલ્યૂ અને ઓળખને પણ વધુ મજબૂત કરશે.
ધોનીની પર્સનાલિટી, બ્રાન્ડ અને ઓળખનો ભાગ
ધોનીના વકીલ માનસી અગ્રવાલે ટ્રેડમાર્ક અંગેની માહિતી આપી કહ્યું કે, ‘ભલે કોઈ સમાન ટ્રેડમાર્ક હોય, તેમ છતાં વ્યક્તિ બ્રાન્ડિંગ અને ઓળખની વિશિષ્ટતા કાયદાકીય રીતે કેવી રીતે કામ આવે છે, તે આ મામલો દર્શાવે છે.’ આ પહેલા ટ્રેડમાર્ક એક્ટની કલમ ૧૧(૧) હેઠળ ‘કેપ્ટન કૂલ’ નામથી વાંધો ઉઠ્યો હતો, કારણ કે આ નામે પહેલેથી જ ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ થયેલું હતું, તેથી નવો ટ્રેડમાર્ક લોકોમાં ભ્રમ ઉભો કરી શકવાના કારણે નવા ટ્રેડમાર્કને મંજૂરી મળી ન હતી. ત્યારબાદ ધોની તરફથી એવી દલીલો રજૂ કરવામાં આવી કે, કેપ્ટન કૂલ નામ ઘણા વર્ષોથી ધોની સાથે જોડાયેલું છે અને પ્રજા, મીડિયા અને ચાહકોએ પણ આ નામથી ધોનીને અપનાવ્યો છે.
રિપોર્ટ મુજબ દલીલમાં એવું પણ કહેવાયું છે કે, ‘કેપ્ટન કૂલ માત્ર ઉપનામ નહીં, પરંતુ ધોનીની કોમર્શિયલ ઓળખ પણ બની ગઈ છે. ધોનીએ કેપ્ટન કૂલના નામથી લોકપ્રિયતા મેળવી છે, મીડિયામાં પણ આ નામથી કવરેજ થતું રહે છે. આ ઉપરાંત ચાહકો પણ ધોનીને કેપ્ટન કૂલ તરીકે ઓળખે છે, તેથી ટ્રેડમાર્ક મળ્યા બાદ હવે આ નામ પર કોઈપણ ભ્રમ ઉભો નહીં થાય. આ નામથી અગાઉથી જ ટ્રેડમાર્ક હતું, પરંતુ ધોનીએ તે પહેલાથી જ કેપ્ટન કૂલ તરીકે બહોળી ઓળખ મેળવી છે.’
ટ્રેડમાર્ક રજિસ્ટ્રીએ ધોનીના વકીલની દલીલ સ્વિકારી છે અને માન્યું છે કે, કેપ્ટન કૂલ માત્ર એક સામાન્ય શબ્દ નહી, પરંતુ તે ધોનીની પર્સનાલિટી, બ્રાન્ડ અને ઓળખનો ભાગ છે.