Last Updated on by Sampurna Samachar
બાઇક સવાર હુમલાખોરોએ ગોળીબાર કર્યો
સારવાર દરમિયાન તેમનું નિધન
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હીના માલવિયાનગરમાં એક દુ:ખદ ઘટના બનવા પામી છે, જ્યાં બાઇક સવાર હુમલાખોરોએ કોંગ્રેસના નેતા અને પ્રોપર્ટી ડીલર લખપત સિંહ કટારિયા પર ગોળીબાર કર્યો. હુમલાખોરોએ તેમને રોક્યા બાદ ત્રણ ગોળીઓ મારી હતી. પોલીસની મદદથી તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું નિધન થયું. DCP (સાઉથ દિલ્હી) અંકિત ચૌહાણે આ સમાચારની પુષ્ટિ કરી છે.
માલવિયાનગર પોલીસ સ્ટેશનને PCR કોલ દ્વારા વિજય મંડલ પાર્ક, બેગમપુર નજીક ગોળીબારની જાણ થઈ હતી. કોલ કરનાર વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે બાઇક પર આવેલા બે હુમલાખોરોએ લખપત સિંહ કટારિયાને સૌપ્રથમ રોક્યા અને પછી તેમને ગોળી મારી દીધી. ઘટનાને અંજામ આપ્યા બાદ હુમલાખોરો તરત જ ત્યાંથી નાસી છૂટ્યા હતા. ગોળી વાગવાથી ઘાયલ થયેલા અને બેગમપુરના રહેવાસી એવા લખપત સિંહ કટારિયાને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું.
CCTV ફૂટેજ ચકાસી તપાસ હાથ ધરાઇ
પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસ મુજબ, બે અજાણ્યા વ્યક્તિઓએ પાર્ક પાસે લખપત સિંહ કટારિયાને રોક્યા, તેમના પર ગોળીઓ ચલાવી અને એક અજ્ઞાત મોટરસાયકલ પર નાસી ગયા. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. આસપાસના CCTV કેમેરાની ફૂટેજ ચકાસવામાં આવી રહી છે અને હુમલાખોરોની શોધખોળ ચાલુ છે.