Last Updated on by Sampurna Samachar
કેદારનાથ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃતક પાયલટની માતાનુ અવસાન
રાજવીર સિંહના માતાએ બ્રાહ્મણો માટે ભોજન તૈયાર કર્યુ હતુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેદારનાથ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર જયપુરના પાયલટ રાજવીર સિંહ ચૌહાણના પરિવાર પર ફરી એકવાર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. રાજવીર સિંહના અવસાન બાદ તેમના ઘરે તેમનાની વિધિ ચાલી રહી હતી, આ દરમિયાન તેમની માતા વિજય લક્ષ્મી ચૌહાણનું પણ અવસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.
વિજય લક્ષ્મી પોતાના જુવાનજોધ દીકરા રાજવીર સિંહના નિધન બાદ તેરમાની વિધિ કરી રહ્યા હતા અને આ દરમિયાન અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ પરિવારજનો તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈને પહોંચ્યા હતા, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પરિવારના માથે ફરીથી દુ:ખનો પહાડ તૂટી પડ્યો
પાયલટ રાજવીર સિંહના મિત્ર સૂરજ કુમારે જણાવ્યું કે, રાજવીરના મૃત્યુ બાદ પરિવારની હાલત ખરાબ થઈ ગઈ છે, કોઈની આંખોમાંથી આંસુ હજુ સુધી સુકાયા નથી. દરમિયાન તેમના ઘરે ધાર્મિક વિધિ ચાલી રહી હતી. રાજવીર સિંહના માતા વિજય લક્ષ્મીએ સવારે વહેલા ઉઠીને બ્રાહ્મણોના ભોજન માટે પોતાના હાથે ભોજન તૈયાર કર્યું હતું.
તેરમાની વિધિ દરમિયાન બીકાનેરથી કેટલાક સગાંસંબંધી આવતા મૃતક રાજવીર સિંહના માતા વિજય લક્ષ્મી ભાવુક થઈ ગયા અને જોરજોરથી રડવા લાગ્યા હતા. આ દરમિયાન અચાનક તેમના છાતીમાં ભારે દુખાવો ઉપડ્યો હતો. જેથી તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
રાજવીર સિંહ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલના પદ પરથી નિવૃત્ત થયા હતા અને તેમની પત્ની દીપિકા ચૌહાણ હાલમાં લેફ્ટનન્ટ કર્નલ છે. રાજવીર સિંહની અંતિમ યાત્રા દરમિયાન માતા વિજય લક્ષ્મીએ ‘રાજવીર અમર રહે‘ના નારા લગાવ્યા હતા અને ભાવુક થઈને પુત્રની તસવીરને સ્પર્શ કરી હતી, પરંતુ હવે તેઓએ પણ પોતાના પુત્રની સાથે આ દુનિયાને અલવિદા કહી દીધું છે.