Last Updated on by Sampurna Samachar
આતંકી હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર
ભારતના લોકો સાથે આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ઊભા છે અન્ય દેશો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓને ચેતવણી આપી છે કે, તેઓ એવું ન વિચારે કે યુદ્ધ જીતી લીધું છે. પહલગામ આતંકી હુમલા બાદ પોતાની પહેલી સાર્વજનિક ટિપ્પણીમાં શાહે કહ્યું કે, “લડાઈ હજુ ખતમ નથી થઈ. આતંકવાદીઓએ એવું ન વિચારવું જોઈએ કે, અમારા ૨૭ લોકો માર્યા બાદ તેમણે યુદ્ધ જીતી લીધું છે.”
તેમણે કહ્યું કે, “જો કોઈ કાયરતાપૂર્ણ હુમલો કરવાનું વિચારે છે તો આ તેમની મોટી જીત છે, તો એક વાત સમજી લે, આ નરેન્દ્ર મોદીની સરકાર છે, કોઈને છોડશે નહીં. અમારો સંકલ્પ છે કે આ દેશના દરેક ખૂણામાંથી આતંકવાદને ઉખાડીને ફેંકી દઈશું. ન ફક્ત ૧૪૦ કરોડ ભારતીયો પણ આખી દુનિયા આ લડાઈમાં ભારત સાથે ઊભી છે.”
આતંકીઓને નિશ્વિતપણે યોગ્ય સજા મળશે
અમિત શાહે આગળ કહ્યું કે, “દુનિયાના તમામ દેશો એકજૂટ થઈને ભારતના લોકો સાથે આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ઊભા છે. હું આ સંકલ્પને ફરી રિપીટ કરવા માગું છું કે, જ્યાં સુધી આતંકવાદનો ખાતમો નહીં થાય, અમારી લડાઈ ચાલુ રહેશે અને જેમણે આ કામ કર્યું છે, તેમને નિશ્ચિતપણે યોગ્ય સજા આપવામાં આવશે.”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “આજે હું જનતાને કહેવા માગું છું કે, અમે ૯૦ ના દાયકાથી કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરેન્સની નીતિ પર મજબૂતીથી લડી રહ્યા છીએ. આજે આતંકીઓએ એવું ન વિચારવું જોઈએ કે, તેમણે અમારા નાગરિકોના જીવ લઈને જંગ જીતી લીધો છે. હું એ તમામ લોકોને કહેવા માગું છું કે જે આતંક ફેલાવે છે, આ લડાઈનો અંત નથી, દરેક વ્યક્તિને જડબાતોડ જવાબ મળશે.”