Last Updated on by Sampurna Samachar
મુન્દ્રામાં જ્વેલર્સને લૂંટવા ધોળા દિવસે ફાયરિંગ
વેપારીએ હિંમત બતાવી એકને દબોચ્યો!
(સંપૂર્ણ સમાચાર સેવા)
કચ્છના મુન્દ્રા શહેરમાં ભરબપોરે ફિલ્મી ઢબે લૂંટનો પ્રયાસ અને ફાયરિંગની ઘટના બનતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. મુન્દ્રાના વ્યસ્ત ગણાતા બારોઇ રોડ પર આવેલા ‘રૂદ્રાક્ષ જ્વેલર્સ‘માં બાઇક પર આવેલા લૂંટારુઓએ ધોળા દિવસે ફાયરિંગ કરી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. બારોઇ રોડ પર આવેલી રૂદ્રાક્ષ જ્વેલર્સ નામની પેઢીમાં સોની વેપારી પોતાની દુકાને હાજર હતા, ત્યારે અચાનક બાઇક પર સવાર થઈને લૂંટારુઓ ત્રાટક્યા હતા.

લૂંટારુઓએ વેપારીને ડરાવવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું અને સોના-ચાંદીના દાગીના લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. ફાયરિંગના અવાજથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે, લૂંટારુઓના હથિયાર જોઈ ડરી જવાને બદલે સોની વેપારીએ અપ્રતિમ હિંમત બતાવી હતી. વેપારીએ લૂંટારુઓનો પ્રતિકાર કર્યો હતો અને તેમાંથી એક આરોપીને જીવના જોખમે ઝડપી પાડ્યો હતો.
ધોળા દિવસે આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા
વેપારીની આ હિંમત જોઈ અન્ય લૂંટારુઓ ગભરાઈ ગયા હતા અને પોતાના સાથીદારને છોડીને બાઇક પર ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ મુન્દ્રા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે વેપારીએ પકડી પાડેલા આરોપીને કસ્ટડીમાં લઈ તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. ફરાર થયેલા અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે સમગ્ર મુન્દ્રા અને આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી સર્ચ ઓપરેશન તેજ કર્યું છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાએ કચ્છમાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે