Last Updated on by Sampurna Samachar
લગ્નના થોડાક સમય બાદ પત્ની પ્રેમા સાથે નાસી ગઇ
પતિએ બે યુવકો વિરૂદ્ધ ગુનો નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સોશિયલ મીડિયા પર થતો પ્રેમ ઘણીવાર કરૂણ અંજામ આવે છે. જેનુ જીવતો જાગતો કિસ્સો મહેસાણામાં સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, પાટણમાં રહેતા આદિત્ય વ્યાસ નામના યુવાનનો પરિચય થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ દ્વારા હેતવી સોલંકી નામની યુવતી સાથે થયો હતો. આ પરિચય પ્રેમમાં બદલાયો અને બંનેએ લગ્ન કરી લીધા હતા. આદિત્યને આશા હતી કે તેનું જીવન સુખમય રહેશે, પરંતુ લગ્નના થોડા જ સમયમાં પત્નીના ઈરાદા કંઈક અલગ હોવાનું સામે આવ્યું.

ઘટનાની વિગતો એવી છે કે, આદિત્યની પત્ની હેતવી અચાનક જ ઘરેથી નીકળી ગઈ હતી. તે જતી વખતે પતિની માલિકીના કિંમતી દાગીના પણ પહેરીને નીકળી હતી. હેતવીને લેવા માટે રાજવીર નામનો ઈસમ ફોર્ચ્યુનર કાર લઈને આવ્યો હતો. હેતવી પોતાના પતિને છોડીને રાજવીર સાથે કારમાં બેસીને રવાના થઈ ગઈ હતી.
મહેસાણા બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
જ્યારે આદિત્યને જાણ થઈ કે તેની પત્ની કોઈ અન્ય સાથે જઈ રહી છે, ત્યારે તેણે પોતાના મિત્રો સાથે મળીને તે ફોર્ચ્યુનર કારનો પીછો કર્યો હતો. મહેસાણામાં ટ્રાફિક વચ્ચે આદિત્યએ કારને ઉભી રાખવાનો પ્રયાસ કર્યો અને પત્નીને સમજાવવા માંગતો હતો. જોકે, કાર ચલાવી રહેલા રાજવીર અને તેના મિત્ર મિતએ કાર થોભાવવાને બદલે હંકારી મૂકી હતી. આ દરમિયાન આદિત્ય કાર સાથે અથડાતા નીચે પટકાયો હતો અને ગંભીર રીતે ઘાયલ થયો હતો.
આ સમગ્ર મામલે ઇજાગ્રસ્ત આદિત્ય વ્યાસે રાજવીર અને મિત નામના શખ્સો વિરુદ્ધ મહેસાણા બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ફરાર પત્ની અને તેના પ્રેમીની શોધખોળ હાથ ધરી છે. ઇન્સ્ટાગ્રામના પ્રેમનો આવો કરૂણ અંજામ જોઈને પંથકમાં ચકચાર મચી ગઈ છે.