Last Updated on by Sampurna Samachar
બ્રોડકાસ્ટર્સઓને થશે અઢળક કમાણી
ભારત – પાકિસ્તાનની મેચની સૌથી વધુ માંગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
એશિયા કપ ૯ સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારતીય ક્રિકેટ ટીમ ૧૦ સપ્ટેમ્બરથી UAE સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી ૧૪ સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે, જેના પર આખી દુનિયાની નજર રહેશે.
બંને ટીમો દ્વિપક્ષીય શ્રેણી રમતી નથી તેથી જ્યારે પણ તેઓ ICC ટુર્નામેન્ટ કે ACC ટુર્નામેન્ટમાં એકબીજાનો સામનો કરે છે, ત્યારે ઉત્સુકતા વધુ વધી જાય છે. જોકે આ વખતે પરિસ્થિતિ થોડી અલગ છે, પરંતુ તેમ છતાં જાહેરાતોના સંદર્ભમાં આ મેચની માંગ સૌથી વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
બ્રોડકાસ્ટરે જાહેરાતોના દર જાહેર કર્યા
બ્રોડકાસ્ટર્સ પણ આ તકનો લાભ લેવા માંગે છે. એશિયા કપ ૨૦૨૫ના મીડિયા અધિકારો સોની પિક્ચર નેટવર્ક ઇન્ડિયા પાસે છે, ટીવી પર લાઇવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ પર થશે. અહેવાલો અનુસાર, બ્રોડકાસ્ટરે જાહેરાતોના દર જાહેર કર્યા છે, ભારતની મેચો માટે દર ઊંચા છે અને સૌથી વધુ માંગ ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચની છે.
એશિયા કપમાં હાલમાં ભારત પાસે ૩ મેચ ફિક્સ છે, પરંતુ એવી શક્યતા છે કે ભારત સુપર ૪ માં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં મેચોની સંખ્યા ૬ થઈ જશે અને જો ભારત ફાઇનલમાં પહોંચે છે તો ભારત પાસે કુલ ૭ મેચ હશે. જો પાકિસ્તાન પણ સુપર ૪ માં પહોંચે છે તો ભારત અને પાકિસ્તાન વચ્ચેની બીજી મેચ પણ ફિક્સ થશે, જો બંને ટીમો ફાઇનલમાં ટકરાય છે તો તેમની વચ્ચે કુલ ૩ મેચ થશે.
બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટમાં ઇકોનોમિક ટાઇમ્સને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સોની નેટવર્કે ભારતની મેચો માટે ટીવી જાહેરાતો માટે સૌથી વધુ દર નક્કી કર્યા છે. આ ૧૦ સેકન્ડ દીઠ ૧૪ થી ૧૬ લાખ રૂપિયા છે. એટલે કે, જો કંપનીઓ ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચમાં તેમની જાહેરાતો બતાવવા માંગતી હોય તો તેમને તેના માટે મોટી રકમ ચૂકવવી પડશે. ટીવી જાહેરાતોમાં પ્રેઝન્ટેશન સ્પોન્સરશિપ માટે ૧૮ કરોડ રૂપિયા અને એસોસિયેટ સ્પોન્સરશિપ માટે ૧૩ કરોડ રૂપિયા ચૂકવવા પડશે.
કો- પ્રેઝન્ટિંગ અને હાઇલાઇટ્સ પાર્ટનર માટે કંપની દીઠ ૩૦ કરોડ રૂપિયા, કો-પાવર્ડ બાય પેકેજ માટે ૧૮ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. ડિજિટલ જાહેરાતોનો ૩૦ ટકા હિસ્સો ભારતની મેચો માટે અનામત રાખવામાં આવ્યો છે. ક્રિકેટ એશિયા કપ ૯ સપ્ટેમ્બરથી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન UAE માં યોજાશે. કુલ ૧૯ મેચ ૮ ટીમો વચ્ચે રમાશે, આ T૨૦ ફોર્મેટમાં હશે. ૮ ટીમોને ૪-૪ ના ૨ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે.
ગ્રુપ A : ભારત, પાકિસ્તાન, ઓમાન, UAE
ગ્રુપ B : અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, હોંગકોંગ, શ્રીલંકા.