Last Updated on by Sampurna Samachar
વિપક્ષ નેતા રાહુલ ગાંધીના PM મોદી પર આકરા પ્રહાર
ચાઇનીઝ ટેલિવિઝનનો ભારતીય બજારનો મોટો હિસ્સો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર આક્ષેપ કર્યા છે.તેમણે કહ્યું કે, દેશમાં મેક ઇન ઇન્ડિયાના નામ પર માત્ર એસેમ્બલિંગ થઈ રહ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારત આજે પણ તેના ટીવી બનાવવા માટે ૮૦% ઉપકરણો ચીનથી મંગાવે છે. તેમણે ટ્વિટર પર પોસ્ટ કરી કે, ભારત સરકારનું અભિયાન સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યું છે અને તેની ર્નિભરતા માત્ર ચીન પર જ છે.
રાહુલ ગાંધીના આ દાવા પછી દરેકના મનમાં આ પ્રશ્ન ઉઠ્યો છે કે, આમાં કેટલી સચ્ચાઈ છે અને ભારતની વાસ્તવિક સ્થિતિ શું છે. સૌપ્રથમ વાત કરીએ કે ભારત ચીનથી કયા ઉપકરણો મંગાવે છે, જે ટીવી બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. ભારતને સૌથી વધુ જરૂર પડે છે ટીવી ડિસ્પ્લે પેનલની, જે લગભગ ૯૦% ચીનથી મંગાવવામાં આવે છે.
રાહુલ ગાંધીના દાવામાં કેટલી સચ્ચાઈ છે?
આ પેનલથી LCD , LED , OLED અને QLED જેવા ડિસ્પ્લે પેનલ બનાવવામાં આવે છે. આ ઉપરાંત ટીવીના સ્માર્ટ ફીચર્સ અને પ્રોસેસિંગ માટે ચિપસેટ અને પ્રોસેસર્સ પણ મોટાભાગે ચીનથી મંગાવવામાં આવે છે. ટીવીના ઇલેક્ટ્રોનિક સર્કિટનો આધાર, જે તમામ ઉપકરણોને જોડે છે, તે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પણ ચીન અને વિયેતનામથી મંગાવવામાં આવે છે. અહીં સુધી કે ટીવીની ફ્રેમ, સ્ટેન્ડ અને બાહ્ય બોડી પણ ચીનથી મંગાવવી પડે છે. સ્પીકર અને ઓડિયો બનાવવા માટે રેર અર્થ જેવી જરૂરી ધાતુઓ માટે પણ આપણે ચીન પર ર્નિભર છીએ.
ભારતની સૌથી વધુ વેપાર ખોટ ચીન સાથે છે, જેનાથી નક્કી થાય છે કે, આપણી સૌથી વધુ આયાત પણ આ દેશ સાથે છે. ગયા વર્ષે તો ૧૦૦ અબજ ડોલરની વેપાર ખોટ રહી અને ભારતની સૌથી વધુ આયાત પણ ચીનથી ઇલેક્ટ્રોનિક્સની જ થાય છે. વર્ષ ૨૦૨૨ના આંકડા દર્શાવે છે કે, ભારતે ચીન પાસેથી ૩ હજાર કરોડ ડોલરથી વધુના ઇલેક્ટ્રોનિક્સ સામાન મંગાવ્યા.
એવું નથી કે ભારત માત્ર ચીનથી ટીવી બનાવવા માટેના ઉપકરણો જ ખરીદે છે, પરંતુ ચાઇનીઝ ટેલિવિઝનનો પણ ભારતીય બજારમાં મોટો હિસ્સો છે. ભારતમાં સ્માર્ટ ટીવીનો વ્યવસાય લગભગ ૨૫ હજાર કરોડ રૂપિયાનો છે, જેમાં ચાઇનીઝ ટીવી કંપનીઓનો હિસ્સો ૪૫% આસપાસ છે. આ જ કારણ છે કે, ચીને ભારતીય મેન્યુફેક્ચરિંગ કંપનીઓને નુકસાન પહોંચાડવા માટે આ જરૂરી ઉપકરણોનો નિકાસ બંધ કરી દીધો છે.
રાહુલ ગાંધીએ બીજો દાવો કર્યો છે કે, GDP માં મેન્યુફેક્ચરિંગનો હિસ્સો સતત ઘટી રહ્યો છે. તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૧૪માં જ્યાં GDP માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો હિસ્સો ૧૫.૩% હતો, ત્યાં હવે તે ઘટીને ૧૨.૬% પર પહોંચી ગયો છે. આ છેલ્લા ૬૦ વર્ષનો સૌથી ઓછો આંકડો છે. રાહુલ ગાંધીના દાવામાં કેટલી સચ્ચાઈ છે?
ભારતીય ઉદ્યોગ પરિષદ (CII) જે દેશનું સૌથી મોટું ઉદ્યોગ સંગઠન છે, તેમનું માનીએ તો રાહુલ ગાંધીનો આ દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. CII એ માર્ચ ૨૦૨૫માં આંકડા જાહેર કરીને બતાવ્યું કે, ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જીડીપીનું યોગદાન હવે ૧૭% પર પહોંચી ગયું છે અને તેને ૨૫% સુધી પહોંચાડવા માટે પ્રયત્નો ચાલુ છે. CII એ જણાવ્યું કે, ભારતે ૧૪ લાખ કરોડ રૂપિયાના ઉત્પાદનનો આંકડો પાર કરી લીધો છે, જે એક સિદ્ધિ છે.