Last Updated on by Sampurna Samachar
PM મોદીએ બેંગલુરુમાં મેટ્રોની યેલો લાઈનનું ઉદ્ધાટન કર્યું
બેંગ્લુરૂ અને કર્ણાટકના યુવાનોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેના લીધે વિશ્વને એક નવા ભારતના સ્વરૂપના દર્શન થયા. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત બેંગ્લુરૂ (BENGLURU) પહોંચેલા વડાપ્રધાન મોદીએ મેટ્રોની યેલો લાઈનનું ઉદ્ધાટન કર્યું હતું. તેમણે ત્રીજા ચરણની આધારશિલા મૂકતાં કહ્યું કે, ઓપરેશન સિંદૂરની સફળતા એડવાન્સ ટેક્નોલોજી અને મેક ઈન ઈન્ડિયા પહેલની તાકાત પર આધારિત છે. જેમાં બેંગ્લુરૂ અને કર્ણાટકના યુવાનોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ઓપરેશન સિંદૂરની સફળતા પાછળનું મોટું કારણ અમારી ટેક્નોલોજી અને ડિફેન્સમાં મેક ઈન્ડિયાની તાકાત છે. જેમાં બેંગ્લુરૂ અને કર્ણાટકના યુવાનોનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. હું તેના માટે તમામનો આભાર માનું છું. ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાની સફળતા, સરહદ પાર અનેક કિ.મી. અંદર આતંકી ઠેકાણાને નષ્ટ કરવાની તાકાત તેમજ આતંકવાદના બચાવમાં ઉતરેલા પાકિસ્તાનને અમુક જ કલાકોમાં ઘૂંટણિયે લાવવાની આપણી ક્ષમતા સમગ્ર વિશ્વએ જોઈ.
બેંગલુરુ વાસીઓની મહેનત અને તેમના ટેલેન્ટને શ્રેય આપ્યો
કાર્યક્રમને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, બેંગ્લુરૂને અમે એક એવા શહેર રૂપે ઉભરતુ જોઈ રહ્યા છીએ, જે ન્યૂ ઈન્ડિયાના વિકાસનું પ્રતિક બન્યું છે. એક એવું શહેર, જેના આત્મામાં તત્ત્વજ્ઞાન છે, અને તેના એક્શનમાં ટેક્નોલોજી જ્ઞાન છે. એક એવું શહેર જેણે વૈશ્વિક સ્તરે આઈટી ક્ષેત્રે ભારતની વાહવાહી કરાવી છે.
વડાપ્રધાન મોદીએ બેંગ્લુરૂની સફળતાની ગાથા પાછળ શહેરવાસીઓની મહેનત અને તેમના ટેલેન્ટને શ્રેય આપ્યો હતો. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ૨૧મી સદીમાં શહેરીકરણ અને અર્બન ઈન્ફ્રાસ્ર્ટ્ક્ચર આપણા શહેરોની જરૂરિયાત બન્યું છે. બેંગ્લુરૂ જેવા શહેરોમાં આપણને ભવિષ્ય માટે સજ્જ બનાવે છે. ભારત સરકારે શહેરમાં હજારો કરોડના પ્રોજેક્ટ શરૂ કર્યા છે. મેટ્રોની યલો લાઈનના ઉદ્ધાટન સાથે આ અભિયાનને એક નવી ઉર્જા મળી છે.
ભારતના ઝડપથી વિકસી રહેલા અર્થતંત્રનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે, છેલ્લા ૧૧ વર્ષમાં આપણી અર્થવ્યવસ્થા ૧૦માં ક્રમેથી ટોપ-૫માં પહોંચી છે. આપણે ઝડપથી ટોપ-૩ ઈકોનોમી બનવા તરફ આગળ વધી રહ્યા છીએ.
વિકસિત ભારત, ન્યૂ ઈન્ડિયાનો આ પ્રવાસ ડિજિટલ ઈન્ડિયાની સાથે આગળ વધી રહ્યો છે. ઈન્ડિયા એઆઈ મિશન જેવી યોજનાઓથી ભારતને ગ્લોબલ એઆઈ લીડરશીપ બનવાની દિશામાં વેગ આપી રહી છે. સેમિકન્ડક્ટર મિશન હવે વેગવાન બન્યું છે. ભારત ટૂંકસમયમાં મેડ ઈન ઈન્ડિયા ચિપ બનાવવા જઈ રહ્યું છે