Last Updated on by Sampurna Samachar
લાઇનમાં ઉભા રહીને પૂરાવ્યું પેટ્રોલ, પંપની બહાર જ બાઇક સળગી ઉઠ્યું!
ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓને પગલે લોકો પેનિક થઇ રહ્યા છે અને પેટ્રોલ પંપની બહાર વાહનચાલકોની લાંબી લાઇનો જાેવા મળી રહી છે. આ દરમિયાન વડોદરામાં બાઇકમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આજવા રોડ સરદાર એસ્ટેટ પાસે પેટ્રોલ પંપ બહાર ઘટના બની હતી. પેટ્રોલ ભરાવીને બાઈક સવાર બહાર નીકળ્યો અને અચાનક આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી.

નોંધનીય છે કે, પેટ્રોલ અને ડીઝલની અછતની અફવા અત્યારે ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. વૈશ્વિક પરિસ્થિતિ મુજબ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાને કારણે ક્રૂડ ઓઇલ અને ગેસના સપ્લાય પર દબાણ આવતાં આવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું લોકો માની રહ્યા છે. તો બીજી બાજુ સોશિયલ મીડિયા પર પેટ્રોલ ખૂટી જશે તેવી અફવાઓ ફેલાતાં લોકો સંગ્રહ કરવા માટે પંપ પર પડાપડી કરી રહ્યા છે. જેના કારણે દિવસોમાં વેચાતું પેટ્રોલ કલાકોમાં પૂરું થઈ રહ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે.
પેટ્રોલ – ડીઝલના કેરબા ભરાઈ રહ્યા છે
ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી. ગુજરાતમાં પુરતો જથ્થો છે. પુરવઠા બાબતે લોકોને કોઈ મુશ્કેલી પડશે નહીં તેની ખાતરી આપુ છું. લોકોને વિનંતી કે જ્યારે જરૂર હોય ત્યારે જ પેટ્રોલ ભરાવવા જાય.
ઉલ્લેખનીય છે કે, અછતની અફવા વચ્ચે સંગ્રહખોરો બેફામ બન્યા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. વડોદરામાં પેટ્રોલ પંપ સંચાલકો પણ સંગ્રહખોરોને સાથ આપી રહ્યા હોવાના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. શહેરના ગોત્રી વિસ્તારના પેટ્રોલ પંપનો એક વીડિયો વાયરલ થયો છે. અફરાતફરીના માહોલ વચ્ચે પેટ્રોલ – ડીઝલના કેરબા ભરાઈ રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં જે માણસ ભરાવવા આવ્યો છે તે વીડિયો ઉતારનારાને જોઈને કહી રહ્યો છે કે, કેરબામાં ડીઝલ ભરાઈ રહ્યું છે.