Last Updated on by Sampurna Samachar
ચાંદીમાં એકાએક ૫,૦૦૦થી વધુનો ઉછાળો, સોનું પણ રૂ. ૧.૬૨ લાખને પાર
ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને મજબૂત ડોલરની અસર ભારતીય રૂપિયા પર પડી : રૂપિયો ડોલર સામે ૦.૩% ગગડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વધતા વૈશ્વિક તણાવને કારણે સ્થાનિક કોમોડિટી બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં તેજી જોવા મળી છે. શરૂઆતી કારોબારમાં સોનામાં સામાન્ય ઘટાડો રહ્યા બાદ નીચલા સ્તરેથી આવેલી ખરીદીને પગલે સોનું અને ચાંદી બંને ફરી ઉછળ્યા છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર બપોરે ૧.૩૬ વાગ્યા સુધીમાં એપ્રિલ ડિલિવરી વાળું સોનું ૦.૨૨% (રૂ.૩૬૧) વધીને રૂ.૧,૬૨,૧૫૦ પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેડ કરતું જોવા મળ્યું હતું. નિષ્ણાતોના મતે સોના માટે રૂ.૧,૫૬,૦૦૦ થી રૂ.૧,૫૭,૦૦૦નું સ્તર મજબૂત સપોર્ટ ઝોન છે.જો સોનું રૂ.૧,૬૫,૦૦૦ની સપાટી પાર કરે છે, તો તે આગામી સમયમાં રૂ.૧,૭૫,૦૦૦ થી રૂ.૧,૮૦,૦૦૦ સુધી પહોંચી શકે છે.
ભારતીય બજારમાં ચાંદીમાં જોરદાર લેવાલી જોવા મળી
ચાંદીના ભાવમાં જોરદાર મજબૂતી જોવા મળી છે MCX મે ડિલિવરી વાળી ચાંદી રૂ.૫,૯૧૧ (૨.૨૦%) ના ઉછાળા સાથે રૂ.૨,૭૪,૪૦૨ પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. વૈશ્વિક બજારમાં અસ્થિરતા છતાં ભારતીય બજારમાં ચાંદીમાં જોરદાર લેવાલી જોવા મળી રહી છે.
ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને મજબૂત ડોલરની અસર ભારતીય રૂપિયા પર પડી છે. ગુરુવારે રૂપિયો ડોલર સામે ૦.૩% ગગડીને ૯૨.૩૫૭૫ ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો છે. આ અગાઉ આ જ સપ્તાહમાં રૂપિયો ૯૨.૩૪૭૫ ના સ્તરે પહોંચ્યો હતો, જે રેકોર્ડ આજે તૂટ્યો છે.
પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં વધતા તણાવને કારણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાનો માહોલ છે. જોકે, વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડમાં ૦.૨% નો સામાન્ય ઘટાડો નોંધાયો છે, પરંતુ ભારતીય બજારમાં ડોલર સામે રૂપિયાની નબળાઈને કારણે કિંમતી ધાતુઓ મોંઘી થઈ રહી છે.